વડોદરાના હરણી લેકમાં માત્ર પેડલ બોટની મંજૂરી અપાઇ હતી

વડોદરા, શહેરની હરણી લેક ખાતે બોટ પલટી જવાની ગોઝારી ઘટનામાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. હરણીના તળાવમાં ન્યૂ સનરાઇઝ શાળાના બાળકોને પ્રવાસ માટે લવાયા હતા. આ દરમિયાન બોટ પલટી જતાં ૧૨ બાળકો અને બે શિક્ષિકા સહિત ૧૪ નિર્દોષોના ભોગ લેવાયા હતા. જે બનાવમાં કોર્પોરેશને ફરીયાદી બની કોન્ટ્રાક્ટ લેનાર ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે. કોર્પોરેશન સાથે થયેલા મૂળ કરાર મુજબ લેકઝોનમાં ફક્ત પેડલ બોટ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ફક્ત પેડલ બોટનો કરાર હોવા છતાં સંચાલકો મોટર બોટ ચલાવી રહ્યા હતા.

આ કેસની સુનાવણીમાં સરકારી વકીલ અનિલ દેસાઇએ રિમાન્ડ માટે દલીલો કરતા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, હરણી લેકમાં કોર્પોરેશન સાથે કોટિયા પ્રોજેક્ટને જે કરારો થયા તેમાં શરતો સાથેના કરાર હતા. આ શરતોમાં એક એવી પણ શરત હતી કે, લેકઝોનામાં માત્ર પેડલ બોટ માટેનો પરવાનો આપવામાં આવ્યો હતો. પરંતુ નિલેશ જૈન અને તેનો પાર્ટનર અલ્પેશ ભટ્ટ મોટર બોટ ચલાવતા હતા. જેની પણ ક્ષમતા ૧૪ બેઠકની જ હતી.

આ મામલે તપાસ થઇ રહી છે. અલ્પેશ ભટ્ટની કુલ ૧૦ મોટરબોટ હરણી તળાવમાં રાખવામાં આવી હતી. આ બોટની માલિકી અલ્પેશની એકલાની છે કે નહીં તે અંગે પણ તપાસ થવાની છે. આ મોટર બોટ ક્યાંથી ખરીદવામાં આવી અને બોટનું મેઇન્ટેનન્સ કેટલા સમયાંતરે થતુ હતું તે અંગે પણ સઘન તપાસ થશે. નોંધનીય છે કે, હરણી લેક ઝોનના કોન્ટ્રાકટરો એ ઈન્સ્યોરન્સ લીધેલો ન હતો.

મહત્ત્વનું છે કે, કોટિયા પ્રોજેક્ટના ભાગીદારોએ હરણી લેકઝોનમાં બોટિંગ અને અન્ય રાઇડ્સ માટે નિલેશ જૈન – ડોલ્ફિન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નિલેશ જૈને અગાઉ કોટિયા પ્રોજેક્ટમાં પોતાની ૧૦ બોટ ભાડે આપતા અલ્પેશ ભટ્ટને ડોલ્ફિન કંપનીમાં ૨૦ ટકાનો ભાગીદાર બનાવીને અલ્પેશને પોતાના કોન્ટ્રાક્ટમાં સામેલ કરી દીધો. આ અલ્પેશ ભટ્ટ પણ ફરાર હતો જેની ધરપકડ કરવામાં આવી હતી. આજે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને વિવિધ કારણો હેઠળ ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેમા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.