વડોદરાના ગામેઠા ગામના સ્મશાનમાં લોકોએ દલિત વૃદ્ધના અંતિમસંસ્કાર કરવા ન દીધા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધનું ગામના એકમાત્ર સ્મશાનમાં ગ્રામજનોએ અંતિમસંસ્કાર કરવા ન દેતાં ભારે વિવાદ સર્જાયો છે. 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે ગ્રામજનોની સૂચનાથી દલિતોને સ્મશાનથી દૂર અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી હતી. દલિત સમાજ સાથે થયેલા આ કૃત્ય થતાં સમાજના અગ્રણીઓ આજે વડું પોલીસ મથકે પહોંચ્યા હતા અને અંતિમસંસ્કાર કરવા ન દેનાર સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.

અંતિમયાત્રાની તૈયારી થઈ ગયા બાદ પરિવારજનોની રોકકળ વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમયાત્રા ગામના એકમાત્ર સ્મશાનમાં પહોંચી હતી. અંતિમયાત્રા સ્મશાનમાં પહોંચી અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. એ દરમિયાન ગામના સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને અંતિમસંસ્કાર અટકાવી દીધા હતા.

અંતિમસંસ્કાર અટકાવી દેતાં દલિત સમાજ અને ગ્રામજનો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. સવારે અવસાન પામેલા કંચનભાઈના મૃતદેહના લગભગ 15 કલાક સુધી અંતિમસંસ્કાર ન થયા. વિવાદ સર્જાતાં વડું પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે પણ આ સામાજિક વિવાદ હોઈ, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સુખદ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ ગામના સ્મશાનમાં દલિત સમાજની વ્યક્તિના અંતિમસંસ્કાર નહીં કરવા દેવા માટે અડગ રહ્યા હતા.

કલાકો સુધી ચાલેલા વિવાદ બાદ દલિત કંચનભાઈ વણકરના અંતિમસંસ્કાર ગ્રામજનોએ ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. તેમને સ્મશાનથી દૂર ખુલ્લી જગ્યામાં અંતિમસંસ્કાર કરવાની ફરજ પાડી હતી. મૃતદેહને કલાકો વીતી ગયા, મોડી સાંજ થઇ ગઇ અને વરસાદનો પણ માહોલ હોવાથી પરિવારજનો અને દલિત સમાજના લોકોએ સ્મશાનથી દૂર ખૂલ્લી જગ્યામાં કંચનભાઈ વણકરના અંતિમસંસ્કાર કર્યા હતા. એ દિવસના વિવાદને વકરતો અટકાવી દીધો હતો.

જોકે,ગામેઠા ગામમાં બુધવારે દલિત સમાજ સાથે થયેલા જાતિવાદના કૃત્યના દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આજે પાદરા તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ તેમજ વડોદરા દલિત સમાજના અગ્રણીઓ ભરતભાઈ સહિતના લોકો વડું ખાતે પહોંચી ગયા હતા અને મૃતકની વ્યક્તિના પરિવાર અને સમાજના લોકો સાથે જાતિવાદ ખતમ કરો…જાતિવાદ ખતમ કરોના સૂત્રોચ્ચાર સાથે વડું પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના સ્મશાનમાં દલિત સમાજની વ્યક્તિના અંતિમ સંસ્કાર થવા ન દેનાર ગામના સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.

દલિત સમાજના અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે ગામમાં એક જ સ્મશાન છે, દલિત સમાજનું અલગ સ્મશાન નથી. દલિત સમાજની વ્યક્તિનું અવસાન થતાં ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવા ન દેતાં આજે ફરિયાદ કરવા માટે આવ્યા છે. અમે દલિત પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે એવી રજૂઆત પણ વડું પોલીસને કરવામાં આવી છે.

અન્ય એક અગ્રણીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમારા દલિત સમાજની વ્યક્તિનું મોત નીપજતાં ગ્રામજનોએ ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર થવા દીધા નથી. જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી જણાવ્યું હતું કે તમારો ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવાનો અધિકાર નથી. ગ્રામજનો મોટી સંખ્યામાં હથિયારો સાથે સ્મશાનમાં ધસી આવ્યા હતા અને ગામના સ્મશાનમાં અંતિમસંસ્કાર ન કરવાની ધમકી આપી હતી. આજે અમે વડું પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી છે.

વડું પંથક સહિત સમગ્ર પાદરા તાલુકામાં ભારે ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે વડું પોલીસ મથકના પી.આઇ. વી.એમ. ટાંકે જણાવ્યું હતું કે ગામેઠા ગામના દલિત સમાજના વૃદ્ધનું અવસાન થયું હતું. ગામના લોકોએ તેમના અંતિમસંસ્કાર ગામના સ્મશાનમાં થવા દીધા ન હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. પોલીસ-બંદોબસ્ત વચ્ચે સ્મશાનથી દૂર અંતિમસંસ્કાર કરાયા હતા અને મામલો થાળે પાડ્યો હતો. આજે દલિત સમાજના લોકોએ વડું પોલીસ મથકમાં ગામેઠા ગામનાં સરપંચના પતિ નગીનભાઈ પટેલ સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.