વડોદરાના બામણગામે મકાન ધરાશાયી થતાં ૩ ના મોત, ફાયર બ્રિગેડે બે લોકોને બચાવી લીધા

વડોદરા,

વડોદરાના બામણગામે એક મકાન ધરાશાયી થતાં ૩ લોકોના મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મકાનના કાટમાળમાં દટાઈ ગયેલા લોકોને બહાર કાઢવાની ભારે જહેમત હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના બામણગામે મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે પાંચ લોકો દટાઈ ગયાં હતાં. જેની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કાટમાળમાં દટાયેલા પાંચ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢ્યાં હતાં. બાકીના ત્રણના મોત નીપજ્યાં હતાં.

ફાયર વિભાગની ટીમે બે લોકોને રેસ્ક્યૂ કરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ જેસીબીની મદદથી મકાનનો કાટમાળ હટાવવાની તજવીજ હાથ ધરાઈ હતી.