વડોદરામાં સયાજી હોસ્પિટલ અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે. સયાજી હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. સયાજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે દર્દીના ટાંકા લીધા હોવાનું જાણમાં આવતા ચકચાર મચી ગઈ છે. ઇમરજન્સી વોર્ડમાં ડ્રાઇવરે દર્દીના ટાંકા લીધા હતા. આશ્ર્ચર્યની વાત તો એ છે કે આ રીતે ટાંકા લેતા ડ્રાઇવરનો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયો વાઇરલ થતાં તંત્ર હરક્તમાં આવ્યું છે. આના પગલે એમ્બ્યુલન્સ કોની માલિકીની છે તે અને ડ્રાઇવરને શોધવા તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટનાના પગલે હોસ્પિટલમાં આરોગ્યના ચેડા સાથે થાય તો જવાબદારી કોની તેવા સવાલ ઉઠી રહ્યા છે. અહીં સૌથી મોટો સવાલ તો એ ઉઠે છે કે આ રીતે કોઈ ડ્રાઇવર દર્દીના ટાંકા કઈ રીતે લઈ શકે. તેને આ રીતે ટાંકા લેવાની મંજૂરી કોણે આપી, દર્દીના સગાએ મંજૂરી આપી હોય તો કોઈપણ હોસ્પિટલના સત્તાવાળાની મંજૂરી વગર આ કઈ રીતે શક્ય બન્યું. ડ્રાઇવરે આ રીતે ટાંકા લીધા તો ડોક્ટરો ક્યાં હતા. તેની સામે કોઈએ વાંધો કેમ ન ઉઠાવ્યો. આવા અનેક અણિયાળા સવાલો ઉઠી રહ્યા છે. આ બધા સવાલોનો જવાબ સયાજી હોસ્પિટલનાસ સત્તાવાળાઓએ આપવો પડશે.
હજી હમણા જ બે મહિના પહેલા સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજના યુનિટ ફરી બગડતાં આવી સ્થિતિ સર્જાઈ. જેમાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોલ્ડ સ્ટોરેજના ૧ યુનિટમાં એક્સાથે ૨-૨ મૃતદેહો રાખવાની ફરજ પડી છે. એટલું જ નહીં ગુરુવારે વધુ મૃતદેહો આવતા બાકીના મૃતદેહોને આખી રાતમાં બહાર જ રાખવા પડ્યા હતા. એટલે કે સયાજી હોસ્પિટલ ફરી લોકોના મોતનો મલાજો જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી હતી.
વડોદરાની સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ તો તેમાં ૬ યુનિટ છે. જેમાં દરેક યુનિટમાં ૬ ડેડ બોડી રાખી શકાય છે. એટલે કે કોલ્ડ સ્ટોરેજની મહત્તમ ક્ષમતા એક્સાથે ૩૬ ડેડ બોડી રાખવાની છે. પરંતુ પોસ્ટ મોર્ટમ વિભાગના કોલ્ડ સ્ટોરેજમાં એક્સાથે ૩ યુનિટ ખરાબ થઈ ગયા. જેના કારણે મેનેજમેન્ટ ખોરવાઈ ગયુ. તેમાં પણ ગુરુવારે વધુ મૃતદેહ આવી જતાં મૃતકોના ડેડ બોડી બહાર રાખવાની ફરજ પડી હતી. તો અમુક ડેડબોડીઓને ગૌત્રી હોસ્પિટલ ખસેડવી પડી હતી.