
વડોદરા,
વડોદરામાં મનપાની ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હુમલો થયો. કોંગ્રેસના કોર્પોરેટર જહાં ભરવાડના ભાઈ અને સ્થાનિકોએ લાકડી અને પાઈપથી હુમલો કર્યો. અને બાદમા પકડાયેલી કેટલીક ગાયોને છોડીને લઈ ગયા. આ હુમલામાં ઢોર પકડનાર પાર્ટીના એક કર્મચારી રોહન લોખંડેને પગના ભાગે ઈજાઓ પહોંચી. તો વોર્ડ નં ૧ ના કોંગ્રેસી કોર્પોરેટર જહાં ભરવાડ પણ ઢોર પકડનાર પાર્ટી સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. નાઈટ શિફ્ટમાં કામ કરતી પાર્ટીએ કેટલીક ગાયો પકડતા ગૌ રક્ષકો ઉશ્કેરાયા અને અપશબ્દો બોલીને તેમણે મારામારી શરૂ કરી હતી. આ સમગ્ર કેસમાં ઢોર પકડનાર પાર્ટીના કર્મીઓએ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પહેલા પણ વડોદરા શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં છેલ્લા ૧૦ મહિનાથી ઢોર પકડવામાં આવી રહ્યો છે. પશુપાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.