વડોદરામાં વીજળી ગુલ થતા સેંકડો પરિવારોની રાત મુશ્કેલીમાં વીતી

વડોદરા, વડોદરામાં ડ્રેનેજ માટે ખોદકામ સમયે જેસીબી દ્વારા અંડર ગ્રાઉન્ડ વિજ કેબલો કપાઇ જતા પશ્ર્ચિમ વિસ્તારના સેંકડો પરિવારો મોડી રાત સુધી વિજળી વગર રહ્યા હતા. સાંજે કેબલ કપાઇ ગયા બાદ મોડી રાત્રે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકા તંત્રની બેદરકારીના કારણે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

ગતરાત્રે વડોદરા પાસેના બિલમાં અનેક સોસાયટીમાં અંધારપટ છવાયો હતો. પાલિકાના ડ્રેનેજ વિભાગ માટે કામ કરતા જેસીબી દ્વારા ખોદકામ કરતી વેળાએ અંડરગ્રાઉન્ડ વિજ કેબલ કપાઇ જતા મોડી રાત સુધી સેંકડો પરિવારે અંધારપટ વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, પાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવતા મોડી રાત બાદ વિજ કેબલ જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આશરે સાંજે ૪ વાગ્યાથી મધરાત સુધી આ જ સ્થિતી રહી હતી.

સ્થાનિકે જણાવ્યું કે, સાંજે પાંચ વાગ્યાથી અમારે ત્યાં લાઇટ નથી. પાલિકા દ્વારા ગટરલાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમના નિયત રૂટને અન્યત્રે ખોદકામ કરાતા અંડરગ્રાઉન્ડ વિજ કેબલો તુટી ગયા છે. આ અંગે તેમને જાણ પણ કરવામાં આવી હતી, છતાં તેમણે ખોદકામ કર્યું. આશરે ૪૦૦ જેટલા પરિવારો કલાકો સુધી વિજળી વગર રહેવા મજબૂર બન્યા છે. હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. વિજળી ડુલ થવાના કારણે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે.

અન્ય રહીશ જણાવે છે કે, કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની હાજરીમાં અમે અંડરગ્રાઉન્ડ વિજ કેબલ હોવાની જાણ કરી હતી. છતાં ખોદવામાં આવતા એકથી વધારે અંડર ગ્રાઉન્ડ વિજ કેબલ ડેમેજ થયા છે. આ ઘટના બાદ સુપરવાઇઝર નાસી ગયો હતો. મોડી રાત્રે પાલિકાના ડેપ્યુટી એન્જિનીયરે સ્થળ પર આવીને રીપેરીંગ કામ હાથ ધરાવ્યું હતું. આ કેબલ રીપેર કરાવ્યા બાદ ભવિષ્યમાં આ જ જગ્યાએ કંઇ થયું તો તેનો ખર્ચ અમારે ભોગવવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાની કામગીરી દરમિયાન જેસીબી થકી ૪ અંડરગ્રાઉન્ડ વિજ કેબલ કપાઇ ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેબલમાંથી ૧૧ કેવીની વિજલાઇન પસાર થતી હતી. આ સ્થિતીમાં જો યોગ્ય સુરક્ષાના સાધનો ન હોય તો દુર્ઘટના સર્જાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તંત્રએ આ કિસ્સા પરથી બોધપાઠ લઇને ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું પડશે.