
વડોદરા, વડોદરામાં પંડ્યા બ્રિજ નીટે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ ફાટી નખલી હતી. આ બનાવ અંગે જાણ કરાતા ફાયરબ્રિગેડને કરાતા ફાયરના કર્મચારીઓ ત્રણ વાહન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લાંબી જહેમત બાદ તેમણે આગને કાબૂમાં લીધી હતી. દરમિયાન વેગનની પાસેથી એક યુવકનો દાઝી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. વડોદરા રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પોલીસ તપાસમાં આ યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચઢી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા આગમાં ભડથુ થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી.
આ બનાવની વિગત મુજબ વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા પંડ્યા બ્રિજ નજીક ૮ મેના રોજ વહેલી સવારે અંદાજે ૬ વાગ્યે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં આગ લાગી હતી. જેને પગલે આસપાસના લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા દાંડિયા બજાર, વડીવાડી અને ટીપી-૧૩ ફાયર સ્ટેશનોનો સ્ટાફ ઘટનાસ્થલે દોડી ગયો હતો. તાત્કાલિક તેમણે હાઈ ટેન્શન લાઈનનો વીજ પાવર બંધ કરાવીને પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં તેમણે આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદાજે ૭ વાગ્યે વેગનને આગળ જવા રવાના કરાયું હતું.
આ બનાવની જાણ થતા વડેદરા રેલવે સ્ટેશન સુપરિટેન્ડન્ટ વિવેક દીધે તથા રેલવેનો અન્ય સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તે સિવાય જીઆરપી અને આરપીએફનો સ્ટાફ પણ અહીં આવી પહોચ્યો હતો.
વડોદરા પોલીસના જણાવ્યા મુજબ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયો છે. હજી સુધી મૃતક યુવકની ઓળખ થઈ નથી. જેની પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં યુવકે ટ્રેક પરનો વીજ વાયર પકડી લેતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.