વડોદરામાં સજોડે ઝેર ગટગટાવનારાં પ્રેમી-પંખીડાંમાં યુવતીનું મોત

વડોદરા, વડોદરાના પાદરા તાલુકામાં પરિવારજનોએ લગ્ન કરવાની મંજૂરી ન આપતાં પ્રેમી-પંખીડાંએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનારાં પ્રેમી-પંખીડાંને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં, જેમાં આજરોજ યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવતીનું મોત નીપજતાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવાને દીકરીને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું પીધું છે. અમારી દીકરીના મોત માટે યુવાન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ચકચારી બનાવ અંગે પાદરા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે યુવતીના પિતા નરેન્દ્રભાઇ પઢિયારે જણાવ્યું હતું કે મારી દીકરીને યુવકે લગ્ન કરવાની લાલચ આપીને રાત્રે મળવા બોલાવી હતી, જ્યાં છોકરાએ પોતે થોડી દવા પી અને મારી દીકરીને વધારે દવા પીવડાવી દીધી હતી. અમે તો દીકરીને સોંપવા માટે ત્યાર હતા, પણ યુવકનાં માતા-પિતાએ એ છોકરી અમારા ઘરમાં નથી લાવવી, કહી લગ્ન માટે મનાઈ કરી હતી. મારી દીકરીના મોત મામલે કાયદાકીય ન્યાય જોઈએ.

આ બનાવની વિગત એવી છે કે પાદરા તાલુકાના લુણા ગામમાં રહેતા ૨૧ વર્ષીય આકાશ ચૌહાણ અને ૧૮ વર્ષની સ્નેહા પઢિયાર વચ્ચે છેલ્લાં બે-ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. પ્રેમી આકાશ અને સ્નેહા અવારનવાર મળતાં હતાં અને મોબાઇલ ફોન પર પણ પ્રેમાલાપ કરતાં હતાં. પ્રેમના દિવસોમાં બંનેએ એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યા હતા, સાથે સાંસારિક જીવન જીવવાનું નક્કી કર્યું હતું, પરંતુ એ સમયે સ્નેહા સગીર વયની હોવાથી આકાશે પોતાના પરિવારને સ્નેહા સાથે લગ્ન કરવાની વાત મૂકી ન હતી.

દરમિયાન સ્નેહા ૧૮ વર્ષની ઉંમર વટાવતાંની સાથે જ તેણે આકાશને લગ્ન કરી લેવા માટે જણાવ્યું હતું. આકાશ પણ સ્નેહા સાથે જ લગ્ન કરવા માગતો હતો, આથી તેણે પરિવારને હિંમત એકઠી કરીને કહ્યું હતું તે ગામની સ્નેહાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. આકાશે પરિવાર સમક્ષ ગામની સ્નેહા સાથે લગ્નની વાત મૂક્તાં જ પરિવાર રોષે ભરાયો હતો. આ સાથે આકાશને જણાવ્યું હતું કે સ્નેહા આપણી જ્ઞાતિની નથી, આથી તેની સાથે તારું લગ્ન શક્ય નથી. હવે પછી સ્નેહા સાથે લગ્ન કરવાની વાત કરીશ નહીં.આકાશે પોતાના પરિવાર તરફથી મળેલો જવાબ સ્નેહાને જણાવ્યો હતો. પરિવારે સ્નેહા સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપતાં આકાશ પણ દુ:ખી થઈ ગયો હતો. તેના માટે સ્નેહા વગર જીવવું મુશ્કેલ હતું. બીજી બાજુ સ્નેહા માટે પણ આકાશ વગર જિંદગી જીવવી મુશ્કેલ હતી, આથી બંનેએ નક્કી કરીને ગામની સીમમાં જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સ્નેહા અને આકાશે ઝેરી દવા પી લીધી હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ ખેતરમાં દોડી ગયા હતા. બેભાન અવસ્થામાં રહેલા સ્નેહા અને આકાશને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જેમાં સ્નેહા પઢિયારનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આકાશ હાલ સારવાર હેઠળ છે. સ્નેહાનું મોત નીપજતાં પરિવારજનોમાં આકાશ સામે રોષ જોવા મળ્યો હતો.સ્નેહાનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે આકાશે સ્નેહાને વધારે ઝેર પીવડાવ્યું હતું અને તેણે જાતે ઓછું ઝેર પીધું હતું. સ્નેહાના મોત માટે આકાશ જવાબદાર છે અને તેની સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી. પાદરા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.