
વડોદરા,\ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો ગયો છે. હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ મહાનગરોમાં રખડતા ઢોરને લઈ તંત્ર ગંભીર હોય તેવું નથી લાગી રહ્યું અને દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરના હુમલાનો સિલસિલો યથાવત છે. ઢોરની અડફેટથી વધુ એકનું મોત થયું. શહેરના લક્ષ્મીપુરા નારાયણ ગાર્ડન પાસે બાઈક પર જઈ રહેલા વૃદ્ધ પર રખડતી ગાયે હુમલો કર્યો હતો.
જયાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. ઘટનાની વાત કરીએ તો વૃદ્ધ ન્યૂ અલકાપુરી પોલીસ ચોકી પાસેથી પાનની દુકાનથી ઘરે જતા હતા. તે સમયે ગાયે વૃદ્ધને અડફેટે લીધો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થતા વૃદ્ધને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન વૃદ્ધ મોતને ભેટયા હતા. મૃતદેહને અંતિમવિધિ માટે વતન જામખંભાળિયા લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં રખડતા પશુના હુમલાથી ત્રણ લોકોના મોત થયા છે.