વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંજામ : પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું ગળું દબાવી હત્યા કરી

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં મોગલવાડા ખાતેના એક લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉંચકયો છે. યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વિગતો પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન તેની હત્યા પત્નીએ જ તેનાં પ્રેમીની મદદથી કરી હોવાનું જાણવા મળતા વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારે ૨૪ વર્ષનો મોહમદહમજા અબ્દુલકાદીર તનસુજવાલા (રહે.૧૦૧ સોહેલ ચેમ્બર્સ બકરી પોળ મદીના મસ્જીદ મોગલવાડા વાડી) રાત્રે સુઇ ગયા પછી સવારમાં નહી જાગતા ઘરના સભ્યો તેને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ફરજ પરના તબીબે મોહમદ હમજાને મૃત જાહેર કરતા વાડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી. યુવાનની લાશનુ પી.એમ. કરાવતા મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

વાડી પોલીસે તપાસ કરતા મરનાર યુવકને તેની પન્ની ફાતીમાએ હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી. ફાતિમાને સાહીલ સાજીદખાન પઠાણ સાથે પ્રેમ સંબધ હોય આ પ્રેમ પ્રકરણના કારણે તેઓ બન્નેએ સાથે મળી મોહમદહમજાનું મોઢું તથા ગળું દબાવી હત્યા કરી હતી. વાડી પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી ફાતિમા અને તેનાં પ્રેમી સહિલની ધરપકડ કરી હતી.