વડોદરામાં પ્રેમિકાએ પકડી રાખ્યો ને પ્રેમીએ છરી મારી પૂર્વ પ્રેમીનું આંતરડું બહાર કાઢી નાખ્યું

વડોદરા, વડોદરા શહેરમાં લવ ટ્રાયએન્ગલનો કરૂણ અંજામ આવ્યો છે. પ્રેમિકાએ પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. પ્રેમિકા પલકે તેના પૂર્વ પ્રેમી પ્રહલાદ ઉર્ફે સાગરને પકડી રાખ્યો હતો અને પ્રેમી પાર્થે છરીના ઘા મારતા પ્રહલાદના પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. આથી પ્રહલાદ લોહીલુહાણ થઈ ફસડાઈ પડ્યો હતો અને ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલ કૃષ્ણનગર રામદેવનગરની બાજુમાં રહેતા અશોકભાઇ તુલસીદાસ યાદવ (ઉ.૫૦)એ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા દીકરા પ્રહલાદને પાર્થના ઉર્ફે પલક નામની છોકરી સાથે દોઢ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ પલકને વાઘોડિયા રોડ પર રહેતા પાર્થીવ ઉર્ફે પાર્થ સાથે મિત્રતા થઈ હતી. જેથી મારા દીકરા પ્રહલાદ અને પાર્થ વચ્ચે અવારનવાર આ અંગે ફોન પર બોલાચાલી થતી હતી.

ગઈકાલે ૧૫ જૂનના રોજ હું અને મારો દીકરો પ્રહલાદ ઘરે હાજર હતા. આ વખતે મારો દીકરો કોઈની સાથે ફોન પર વાત કરતો હતો. જેથી મેં પૂછ્યું હતું કે, તું કોની સાથે વાત કરે છે. જેથી મારા દીકરાએ કહ્યું હતું કે, પાર્થનો ફોન છે અને પાર્થ અને પલક મને મળવા માટે બોલાવે છે. જેથી હું તેઓને મળવા માટે જાઉં છું. તેમ કહીને ઘરેથી આશરે રાત્રે ૧૧.૩૦ વાગ્યે તે નીકળી ગયો હતો.

આ દરમિયાન રાત્રિના અઢી વાગ્યે પુનમનગરમાં રહેતા સુધાકરભાઇ અને ગજેન્દ્રભાઇ મારા ઘરે આવ્યા હતા અને મને જણાવ્યું હતું કે, પુનમનગર જ્ઞાનનગર એપાર્ટમેન્ટની બાજુમાં તમારો દીકરો પડ્યો છે. જેથી હું પુનમનગર ખાતે પહોંચી ગયો હતો અને જોયું તો લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને મારો દીકરો પ્રહલાદ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તેનો મિત્ર અજય લક્ષ્મણભાઇ મારવાડી મારા દીકરાનું માથુ ખોળામાં મૂકીને બેઠો હતો. મારો દીકરો બેભાન હાલતમાં હતો અને તેના પેટની ઉપર જમણી બાજુમાં છરી મારેલાનો ઘા હતો. પેટમાંથી આંતરડું બહાર આવી ગયું હતું. જેથી મેં મારા દીકરાને મારા ખોળામાં લઈ લીધો હતો.

અજયને મારી દીકરી રેશમાને લેવા માટે મોકલ્યો હતો. અજય મારી દીકરી રેશમાને લઇને આવ્યો હતો. ત્યારબાદ અજયે મને જણાવ્યું હતું કે, મારી માતા રેખાબેન આશરે રાત્રિના દોઢથી બે વાગ્યાની આસપાસ રસોડાનું કામ પતાવીને અમારા ઘરે આવતા હતા. તે દરમિયાન જ્ઞાનસાગર એપાર્ટમેન્ટની બાજુમાં રસ્તા પર પ્રહલાદ અને પાર્થ તેમજ પલક વચ્ચે ઝઘડો થતો હતો. જેથી મારી માતા તાત્કાલિક ઘરે આવીને મને જણાવ્યું હતું કે, પાર્થ અને પલક બંને પ્રહલાદ સાથે ઝઘડો કરે છે અને પાર્થને પેટના ભાગે છરી મારી દીધી છે. જેથી હું તાત્કાલિક ત્યાં ગયો હતો અને જોયું હતું કે, પ્રહલાદ લોહીલુહાણ હાલતમાં વરસાદી પાણીમાં પડ્યો હતો.

આ દરમિયાન મારો મિત્ર હિતેશ પણ ત્યાં આવી ગયો હતો અને બંને પ્રહલાદને ઉંચકીને સાઇડમાં લઇ ગયા હતા. થોડીવારમાં ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા. બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવતા ઈએમટીએ પ્રહલાદને મૃત જાહેર કર્યો હતો. જેથી અમે પોલીસને બોલાવી લીધી હતી અને મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.

મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા દીકરાને મળવા બોલાવીને પલકે મારા દીકરાને પકડી રાખ્યો હતો અને પાર્થે ખંજર મારીને હત્યા કરી નાખી હતી. જેથી મેં આ મામલે પાથવ ઉર્ફે પાર્થ ભોગીલાલ પરમાર (રહે. ધરતી ટેનામેન્ટ, વાઘોડિયા રોડ, વડોદરા) અને પ્રાર્થના ઉર્ફે પલક સુરેશભાઇ ઠાકોર (રહે. ચાચા નહેરુનગર કમલાનગર, આજવા રોડ, વડોદરા) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.