
વડોદરા, વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વિડીયો વાઇરલ થતાં ફરીથી વિવાદનો વંટોળ સર્જાયો છે. કોમર્સ ફેકલ્ટીમાં શિવમંદિર પાસે ત્રણ ઇસમોએ નમાઝ પઢી હતી. આમ જાહેરમાં યુનિવર્સિટી કેમ્પસમાં જ નમાઝ પઢવામાં આવી હતી. આને લઈને હોબાળો મચી ગયો છે. આમ મહારાજા સયાજીરાવ(MS) ગાયકવાડ યુનિવર્સિટીમાં સિક્યોરિટી અને વિજિલન્સની કડક વ્યવસ્થાના દાવા કરવામાં આવ્યા છે તે પોકળ છે.
અગાઉ આ પ્રકારની ઘટના ૨૦૨૨ના ડિસેમ્બરમાં બની હતી. તે સમયે નમાઝ પઢનારા વિદ્યાર્થીઓને (MS)યુનિ.માંથી સસ્પેન્ડ કરવાની વાત કરવામાં આવી હતી. આ માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સિન્ડિકેટના મેમ્બરની આગેવાની હેઠળ આઠ સભ્યોની કાયમી શિસ્ત સમિતિ બનાવાઈ.
તે સમયે પણ આ ઘટનાના પગલે વિશ્ર્વહિંદુ પરિષદે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ધાર્મિક આગેવાનો પણ ઘણા નારાજ થયા હતા. ધર્મગુરુ જ્યોતિર્નાથ બાપુએ તો MS યુનિ.ના સંચાલકો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ સુદ્ધા પણ કરી નાખી હતી. તેમણે જણાવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ સાંખી ન શકાય. નમાઝ પઢનાર સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. તે સમયે યુનિ.ના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે નમાઝ પઢનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે અને જરૂર પડી તો વિદ્યાર્થીઓના વાલીઓને પણ બોલાવાશે. પણ આ બધુ ફોગટ નીવડ્યું હોય તેમ લાગે છે. આ ઘટનાનું પુનરાવર્તન થતાં હવે યુનિ.ના સત્તાવાળાઓના હાથમાંથી બાજી સરક્તી દેખાઈ રહી છે. આ પ્રકારના બનાવને લઈને કોમી વૈમનસ્ય ન વધે તે માટે હવે પોલીસે હાથમાં કેસ લેવો પડે તેમ લાગી રહ્યું છે. વડોદરા આમ પણ કોમી છમકલા માટે જાણીતું છે.