વડોદરામાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી ગાડીએ દંપતીના અડફેટે લેતાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. કાર પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યા બાદ હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી તેમ અહેવાલ મળ્યા છે. આ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાત રાજ્યમાં સતત અકસ્માતોની ઘટના બની રહી છે. વડોદરા શહેરના સમા ખાતે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. શહેરમાં રસ્તે ચાલી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે દંપતીને અડફેટે લીધા હતા. જેમાં પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે, દુર્ઘટના બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. કારની સ્પીડ એટલી બધી હતી કે અકસ્માત સર્જાયા બાદ કાર એમ્પાયર હોસ્પિટલમાં જઈને ઘૂસી હતી. પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા, તેમાં ઘટના કેવી રીતે ઘટી તે જાણવા મળ્યું હતું. વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે.
તો બીજી બાજુ દ્વારકામાં પણ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. પોરબંદર નેશનલ હાઇવે પર કુરંગા નજીક ઘટના બનાવા પામી હતી. બેફામ ચાલતી કારે ત્રણ બાઇકને અડફેટે લેતા એકનું મોત થયું હતું અને ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને જામખંભાળીયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા.
ઘટનામાં ૨૫ વર્ષીય યુવાન ધવલસિંહનું કરુણ મોત નિપજ્યું હતું. ઘડી કંપની પાસે મોડીરાત્રે કાર ચાલકે એક સાથે ત્રણ બાઇકને અડફેટે લેતા ૭ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ધવલસિંહ નામના ૨૫ વર્ષના યુવાનને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અન્ય એક યુવકને વધુ ઇજાઓ પહોંચતા જામનગર રીફર કરાયો છે. અન્ય પાંચ જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.