વડોદરા, વડોદરા શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઉજવાતો દશામા મહોત્સવ આજે માતમમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા ૫ યુવાનો ડૂબી ગયા છે. જેમાં વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના ૩ યુવાન ડૂબી ગયા હતા. આ બનાવોની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કોરની અલગ-અલગ ટીમો પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. જેમાં ફાયરબ્રિગેડને બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. તો હજુ ૩ યુવાનની શોધખોળ ચાલુ છે.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ માછી (ઉં.વ.૨૩)ના ઘરે દશામાની સ્થાપના કરી હતી. ઉત્સાહભેર દશામાની ઉજવણી કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ વડોદરા નજીક સિંઘરોટ મહી નદી ઉપરના ચેકડેમ પાસે મૂર્તિનું પરિવાર સાથે વિસર્જન કરવા માટે ગયો હતો. તેની સાથે કિશનવાડીમાં જ રહેતો હોમગાર્ડમાં ફરજ બજાવતો ૨૪ વર્ષીય સાગર જગદીશભાઇ કુરી પણ ગયો હતો.
મૂર્તિનું વિસર્જન કરવા માટે પ્રજ્ઞેશ માછી ચેકડેમ પાસે જતાં ધસમસતા મહી નદીના પાણીમાં તણાવા લાગ્યો હતો. પ્રજ્ઞેશે બચાવવા માટે બૂમો પાડતા તેનો મિત્ર સાગર કુરી પાણીમાં કૂદી પડ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાવા લાગ્યો હતો અને જોતજોતામાં બંને મિત્રો લાપતા થઇ ગયા હતા. આ અંગેની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરતા લશ્કરો સ્થળ પર દોડી જઇ શોધખોળ શરૂ કરી હતી.
કિશનવાડીમાં રહેતા પ્રજ્ઞેશ માછી અને સાગર કુરી મહી નદીમાં ડૂબી જવાથી લાપતા થતાં, નદી કિનારે પરિવારજનોનું હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો. બીજી બાજુ કિશનવાડીમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. દશામાની ઉજવણીનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. બન્ને યુવકની શોધખોળમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરિવારજનોએ આક્ષેપ મૂક્યો હતો કે, દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે લોકો સિંઘરોટ ખાતે આવશે. તેવી તંત્રને જાણ હોવા છતાં, તંત્ર દ્વારા કોઇ સુવિધા કરવામાં આવી ન હતી. સિંઘરોટ ખાતે ફાયરબ્રિગેડની ટીમોને પણ તહેનાત રાખવી જોઇતી હતી, પરંતુ તંત્ર દ્વારા તહેનાત રાખવામાં આવી ન હતી. જો ફાયરની ટીમો સ્થળ પર હોત તો કદાચ બંને યુવાનોને બચાવી લેવાયા હોત.આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામના રણછોડપુરા ગામના ૩ યુવાનો સંજય પૂનમભાઇ ગોહિલ (ઉં.વ. ૩૨), કૌશિક અરવિંદભાઇ ગોહિલ (ઉં.વ. ૨૦) અને વિશાલ રતિલાલ ગોહિલ (ઉં.વ.૧૫) આજે વહેલી સવારે પરિવારજનો સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગયા હતા.મૂર્તિઓના વિસર્જન સમયે મહી નદીના ધસમસતા પાણીમાં એક પછી એક ત્રણે યુવાને એક-બીજાને બચાવવા જતા ડૂબી જતા લાપતા થયા હતા. એક જ ગામના ત્રણ યુવાનો એક સાથી ડૂબી જતા રણછોડપુરા ગામમાં સન્નાટો છવાઇ ગયો હતો. ગામના લોકો નદી કિનારે દોડી આવ્યા હતા. તો બીજી બાજુ નદી કિનારે ત્રણે યુવાનોનાં પરિવારજનોના આંક્રદે ગમગીની ફેલાવી દીધી હતી.