વડોદરા, મધ્ય ગુજરાતમાં આવેલી સંસ્કારી નગરી ને કલંક્તિ કરતી ઘટના વડોદરાના છાણી જકાત નાકા પાસે બની હતી, જેમાં કામ શોધતી ૫૫ વર્ષની મહિલાની મજબૂરીનો લાભ લઈને કામ અપાવવાના બહાને તેને સાથે લઈ જઈને ત્રણ નરાધમે સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોલીસને આ ગૅન્ગ-રેપની જાણ થતાં જ ત્વરિત ગતિએ તપાસ હાથ ધરીને ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વડોદરાના એસીપી એમ. પી. ભોજાણીએ આ ગંભીર ઘટનાની માહિતી આપતાં મીડિયાને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે એક મહિલા કામ શોધી રહી હતી એ દરમ્યાન રિક્ષા લઈને ઊભેલા વકીલ પઠાણે તેની વાત સાંભળીને મહિલાનો ફોન નંબર માગીને થોડી વારમાં તેને ફોન કરીને કામ કરવાના બહાને તેના ઘરની બહાર બોલાવીને વકીલ પઠાણે આ મહિલાને ખડિયારનગરથી લઈને છાણી જકાત નાકા પાસે લઈ ગયો હતો. અહીં એક દીવાલ પાસે વકીલ પઠાણના બે મિત્રો શકીલ અહમદ પઠાણ અને ચમન ખાન પઠાણ બેઠા હતા અને અંધારું પણ થઈ ગયું હતું. બે વ્યક્તિને જોઈને મહિલાને શંકા જતાં તે બે વ્યક્તિ વિશે પૂછતાં તેના પર બળજબરી કરીને ત્રણેય જણાએ દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનારી મહિલાએ તેની દીકરીને આ ઘટના વિશે જાણ કરતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરીને આ ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.’