વડોદરાના કોયલી ખાતે આજે (11 નવેમ્બર, 2024) બપોરના 3.30 વાગ્યે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. આઠ કલાક બાદ પણ રિફાઇનરીની આગ કાબૂમાં આવી નથી. GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. હાલ ફાયર વિભાગની 25થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી છે.
આઠ કલાકથી વધુનો સમય થયો છતાં પણ હજુ આ કાબુમાં આવી નથી અને હજુ પણ આગને કાબુમાં આવતા આઠથી દસ કલક લાગી શકે છે.
અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર અને વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ પર કાબૂ કરવા મંગાવવામાં આવી છે. આ ઉપરાંત આગની ઘટનામાં ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ આગ કાબૂમાં લેનાર એક ફાયરકર્મી ઇજાગ્રસ્ત થયો છે. હાલ ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે, આગની ઘટનાને સાત કલાકનો સમય વીત્યો છતાં તંત્ર દ્વારા કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. સમગ્ર કોયલી વિસ્તાર ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સના અવાજથી ગુંજી ઉઠ્યો છે.
કાયલી ગામના રહેવાસી અને IOCL રિફાઇનરીમાં કામ કરતા શેલૈષ મકવાણા નામના કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
મૃતક ધીમંત મકવાણાના પિતાએ જણાવ્યું હતું કે, 8 વાગ્યાથી અમે તપાસ કરીએ છીએ. અમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. મારો દીકરો 34 વર્ષનો હતો. 3 વર્ષથી આ કંપનીમાં નોકરી કરતો હતો. તેને પણ છ વર્ષનો એક દીકરો છે. અમે અહીં ધક્કા ખાઈએ છીએ પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી.
રાજ્યના તમામ ફાયર ફાઈટરને એલર્ટ રહેવા સૂચના ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્યની તમામ ફોમ ધરાવતી ફાયરની ગાડીઓને અહીંયા આવવા માટે કોલ અપાયો છે. બ્રિગેડ કોલ એટલે એવો કોલ કે, જ્યારે કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે સ્થાનિક પ્રશાસન પહોંચી નથી વળતું ત્યારે આસપાસના વિસ્તારોમાંથી જે કેમિકલને કંટ્રોલ કરવા માટેનું જે ફોમ છે તે અંતર્ગત આ કોલ જાહેર કરવામાં આવે છે. હાલમાં માહિતી મળી છે તે પ્રમાણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આ અંગેની માહિતી આપવામાં આવી છે અને તમામ ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયર ફાઈટરને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે.
બે ઇજાગ્રસ્ત કર્મચારીઓને GI હોસ્પિટલમાંથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ આગળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પરિવારજનોને મળી સંવેદના વ્યક્ત કરી હતી. આ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું હતું કે, દીકરો જીવે તે માટે પ્રાર્થના કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં એકનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિ અતિ ગંભીર છે. કુલ કેટલા ઇજાગ્રસ્ત થયા છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.
આ ઘટનામાં રિફાઇનરીમાં કામ કરતા એક કર્મચારીનું મોત થયું છે. બ્લાસ્ટ બાદ ધીમંત મકવાણા નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીજપ્યું છે, ત્યારે આ કર્મચારી તારાપુરનો રહેવાસી હતો