
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામે છાપરું બાંધીને રહેતા કચરો વીણીને જીવન ગુજારતા આધેડ વયના દંપતીની ગત રાતના હત્યા થઇ હોવાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પાદરા તાલુકાના ગણપતપુરા ગામે પસાર થતી નર્મદા કેનાલ નજીક છાપરું બાંધીને છેલ્લા કેટલાક સમયથી રમણ ફતેસિંહ સોલંકી ઉંમર 55 અને એમના પત્ની ધનીબેન સોલંકી રહેતા હતા. દંપતિ કચરો વીણી તેમાંથી પ્લાસ્ટિક, લોખંડનો ભંગાર સહિતની આઈટમ છૂટી પાડી તે વેચી જીવન નિર્વાહ કરતા હતા. ગુરૂવારની મધરાત્રિએ તેઓ પોતાના છાપરામાં નિંદ્રાધિન હતા. તે દરમિયાન અજાણ્યા હત્યારાઓએ કોઈ બોથડ પદાર્થ મારી દંપતીનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હતી.
તપાસ અધિકારીના કહેવા અનુસાર કચરો વીણવાની જૂની અદાવતે તેમની હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. હાલ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ બનાવનો ભેદ ઉકેલવા એસઓજી અને એલસીબીની પણ મદદ લેવામાં આવી છે.