વડોદરામાં ફરામજી કમ્પાઉન્ડની જમીનના વિવાદ : માલિકો સાથે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી તારીખ ૨૮મી સુધી જવાબ રજૂ કરવા હાઇકોર્ટની સુચના

વડોદરા,

વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ફરામજી કમ્પાઉન્ડના નામે ઓળખાતી જમીન પાલિકાએ રિઝર્વ રાખ્યા બાદ વળતર ન ચુકવી શક્તા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણી દરમિયાન કોર્ટે જમીનના બદલામાં જમીન અથવા વળતર ચૂકવવા સાથે જમીન માલિક સાથે સમાધાન ફોર્મ્યુલા બાબતે સૂચન કરતા કોર્પોરેશનના હોદ્દેદારો અને અધિકારીઓની બેઠક મળવા પામી હતી. અને ઉદભવેલી પરિસ્થિતિ અંગે શું નિર્ણય કરવો તે અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

વડોદરા કોર્પોરેશનમાં ઘણી વખત સત્તાધિશોના મનસ્વી નિર્ણયોના કારણે કોર્પોરેશનને આર્થિક નુક્સાની વેઠવાનો વખત આવતો હોય છે. અને પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા પાણીમાં જતા હોય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સપાટી પર આવ્યો છે. શહેરના રેલવે સ્ટેશન ગરનાળા પાસે ફરામજી કમ્પાઉન્ડમાં ૪૮૮૮૪.૧૯ ચોમી જમીન પબ્લિક ઇન્સ્ટિટ્યૂશનલ ફોર વીએમસી તથા પાર્કિંગ ઝોન તરીકે પાલિકાએ રિઝર્વ રાખી હતી. અગાઉ આ જમીન બાબતે હાઇકોર્ટમાં કેસ થયો હતો, જે ડિસ્પોઝ થયો હતો. જોકે ફરીથી લડત અપાતાં ૨૦૧૧ની જંત્રી અને સરકારી ધારાધોરણ મુજબ ૨૧૫ કરોડ ચૂકવવા પાત્ર થતા હતા. અન્ય માલિકોને પણ વળતર આપી જમીન સંપાદન કરાય તો અંદાજિત ૭૦૦ કરોડનું વળતર ચૂકવવા પાત્ર થતું હતું. આ જમીન સંદર્ભે કોર્ટ કેસ થતા કોર્પોરેશન વળતર આપી શકે તેમ ન હોવાથી જમીન પરત કરવી પડી હતી. જેના લીધે કોર્પોરેશન હાસ્યાસ્પદ બની છે. હાલ હાઇકોર્ટમાં કેસ ચાલુ હોય ગતરોજ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વડોદરા કોર્પોરેશનની ટીકા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઠપકા ઉપરાંત જમીન માલિક સાથે સમાધાન ફોર્મ્યુલા ૨૮ માર્ચ સુધી રજૂ કરવા જણાવ્યું છે. જેથી કોર્પોરેશનના સત્તાધીશોએ તાકીદની બેઠક બોલાવી હતી. અને હવે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તે બાબતે કોર્ટમાં કયા પ્રકારનો જવાબ રજૂ કરવો તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી.