વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા

વડોદરા, લોક્સભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ જામતી હોય છે. આ સાથે રાજકીય પક્ષોમાં અંદરોઅંદર નારાજગી પણ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરા ભાજપમાંથી સામે આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા. આ તરફ વાત એટલી બધી આગળ વધી ગઈ કે, મેયરે તો CMને રાજીનામુ આપવાની વાત સુધી કરી નાખી. આ તરફ હવે આ મામલે રાજકારણ ગરમાયું છે.

વડોદરામાં ભાજપની સંકલન બેઠકમાં એક વિવાદ સર્જાયો છે. વિગતો મુજબ સંકલનની બેઠકમાં શહેર પ્રમુખે મેયરને ખખડાવ્યા હતા. આ દરમિયાન બેઠકમાં સંગઠન અને પાલિકાના પદાધિકારીઓ સામસામે આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ બેઠકમાં શહેર પ્રમુખે CM તમારા વિસ્તારમાં આવે છે, છતાં કોર્પોરેટરો સાથે મિટિંગ ન કરી કહી મેયરને ખખડાવ્યા હતા.

આ તરફ મેયરે ગુસ્સે થઈ કહ્યું, ચાલો શીતલભાઈ આપણે મુખ્યમંત્રીને રાજીનામું આપી દઈએ. સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિીએ પણ મેયરની વાતમાં સુર પુરાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે સંકલનમાં બળાપો ઠાલવ્યો અને કહ્યું કે, મારું કોઈ સાંભળતું નથી. વિગતો મુજબ શહેર પ્રમુખે રોષ વ્યક્ત કરતા મેયર પિંકીબેન સોનીએ CMને રાજીનામુ આપવાની વાત કરી હતી.