વડોદરા બેઠક પર ભાજપનો દાવેદાર કોણ?, સંભવિત નામોમાં બે દિગ્ગજ બાજી મારશે તેવા એંધાણ
વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વડોદરા ભાજપના આંતરિક વિખવાદમાં જાહેર થયેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેચતા અન્ય ઉમેદવાર કોણ હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. છેલ્લા એક મહિનાથી વડોદરા ભાજપનું રાજકારણ અનેકવિધ રીતે ચર્ચામાં રહ્યું છે. ત્યારે વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોના સંભવિત નામની ચર્ચા ફરી એકવાર તેજ થઈ છે. અત્રે જણાવીએ કે, જે ચર્ચા મુજબ વડોદરા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ગાર્ગી દવેની પસંદગી થઈ શકે છે.
વડોદરામાં ભાજપના સંભવિત નામની ચર્ચા
વડોદરા શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને RSS બેક ગ્રાઉન્ડ ધરાવતા મોનિકા યાજ્ઞિકને પણ ટિકિટ મળી શકે છે. જ્યારે પુરૂષ ઉમેદવારને ટિકિટ અપાય તો પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ મજબૂત દાવેદાર ગણી શકાય તેમ છે. વડોદરા બેઠક ઉપર ભાજપને બ્રહ્મ સમાજને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવ્યા બાદ ભાજપના સંભવિતોના નામ ઉભર્યા છે
રંજનબેન ભટ્ટે શુ કહ્યું ?
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી હતી. જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભારે વિવાદ થયો છે. જે બાદમાં હવે આજે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, મારા લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, PM મોદીએ મને 10 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે હાલમાં ચાલતા વિવાદોને લઈ તેમણે કહ્યું કે, મારા વિશે જે ચલાવવામાં આવ્યું તે ખોટું છે. તેમણે કહ્યું કે, વિવાદ ચાલું રહે તેના કરતા ચૂંટણી ન લડવી સારી.