Vadodara : વડોદરામાં કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
વડોદરાના કરજણના કંબોલા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઇ છે. આ સ્થળ પર કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ક્રેન તૂટી પડી હતી. જેના કારણે શ્રમિકોને ઇજા પહોંચી હતી. જે પૈકી એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો અન્ય કેટલાક શ્રમિક પણ ક્રેન નીચે દટાયા હોવાની શક્યતા જોવાઇ રહી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. તો ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે અંગેની કોઇ જાણકારી હાલ સામે આવી નથી.