વડોદરા,
વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં હર્ષ સંઘવી પણ દોડ્યા હતા. વિવિધ કેટેગરીની મેરેથોનમાં કુલ ૯૨,૬૦૦ દોડવીરોએ ભાગ લીધો હતો. ૪૨ કિ.મીની કેટેગરીમાં ૧૮૮ દોડવીરો સામેલ થયા. જેમાં ચાર ઇન્ટરનેશનલ દોડવીરનો સમાવેશ થાય છે.
વડોદરા શહેરમાં દસમી વખત યોજાઇ રહેલ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનો આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ પણ છે અને તેઓ ૫ કિલોમીટરની મેરેથોનમાં દોડ્યા હતા. મેરેથોનમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ૩૦૦ ટ્રાફિક જવાનો તૈનાત રહ્યા હતા.
મેરેથોનમાં ૯૨,૬૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે પૈકી ૪૨ કિલોમીટરની કેટેગરીમાં ૧૮૮, ૨૧ કિલોમીટરની કેટેગરીમાં ૧૭૦૦ અને ૧૦ કિલોમીટરની કેટેગરીમાં ૪૦૦૦ જેટલા દોડવીરો ભાગ લીધો. ત્રણ મુખ્ય કેટેગરીમાં ૫૭૦૦ જેટલા દોડવીરો ભાગ લીધો જયારે બાકીના દોડવીરો પાંચ કિલોમીટર કેટેગરીની મેરેથોનમાં ભાગ લીધો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડોદરાના શહેરીજનોનો મેરેથોન પ્રત્યેનો ઉત્સાહ અદમ્ય છે. શિયાળાની આવી ઠંડીમાં હુંફાળી પથારીમાંથી બહાર નીકળવાનું મન ના થાય એવા સમયે આટલી મોટી સંખ્યામાં લોકો મેરેથોનમાં ભાગ લઇ રહ્યા છે, તે વાત જ નાગરિકોની પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પ્રત્યેની ખેવના દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સ્વસ્થ ભારતની સંકલ્પના આવી મેરેથોન દ્વારા સાકાર થઇ રહી છે. તેમણે આ જ સ્વસ્થ ભારત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આવનારા દિવસોમાં ગુજરાત અને સમગ્ર દેશમાં વધુ વ્યાપક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. મેરેથોનમાં દિવ્યાંગોની દોડ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.