વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

વડોદરા, લોક્સભાની ચૂંટણી નજીક આવતા જ બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની મોટાપાયે હેરાફેરી કરી રહ્યા છે. બીજીતરફ સ્ટેટ મોનીટરિંગ સેલ (એસએમસી)ની ટીમ પણ સક્રિય બની છે. જેમાં પોલીસે ૧૫ માર્ચના રોજ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરાંત મહેસાણા અને હિંમતનગરમાંથી દારૂના જથ્થા સાથે કુલ રૂ. ૪૦,૦૩,૮૬૦ લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. ત્રણેય બનાવમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરીને ૧૪ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં એસએમસીએ નડિયાદ પાસે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પરથી કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જેમાં દારૂ, કાર, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ. ૧૧,૮૭,૫૯૦ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરીને પાંચ ફરાર આરોપીની સોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં મહેસાણાના પલવાસણા ચોકડી પરથી બે વાહનોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, બે વાહનો અને મોબાઈલ મળીને કુલ રૂ. ૨૨,૨૦,૬૦૦ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં બે આરોપીને ઝડપી લેવાયા હતા જ્યારે છ ફરાર આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે.

જ્યારે હિંમતનગરમાં ગોકુલનગર રેલવે ફાટક પાસેથી બે વાહનોમાંમાંથી દારૂ સાથે ૫,૯૫,૬૭૦ નો મુદ્દ્માલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે પાંચ આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરવામાં આવી છે.