વડોદરા: બ્રિજ પરથી પટકાતા બેનાં મોત, ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માતની આશંકા

વડોદરા,

થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યૂ યરના વેલકમ વચ્ચે વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ફતેગંજ બ્રિજ પરથી પટકાતાં બે લોકોના મોત નિપજ્યાં છે. ગાડી પરથી કાબુ ગુમાવતા ઘટના બન્યાની આશંકા સેવાઇ રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોડીરાત્રે અકસ્માત થયો હોવાનું મનાઇ રહ્યું છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી મૃતદેહને પી.એમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા છે.

વડોદરા સહિત રાજ્યમાં બે વર્ષ બાદ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરાઇ હતી, ત્યાં જ અમુક ઘટનાઓને લીધે અરેરાટી ફેલાઇ છે. વડોદરામાં ન્યૂ યરની રાતે જ ફતેગંજ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પટકાતા બે લોકોનાં મોત નિપજ્યાં છે. ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે થયો? તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.