વડોદરામાં પૂરપાટ આવતા ટેમ્પોએ ટુ વ્હીલરને કચડ્યું, બે ભાઇઓના મોત

સુરત વડોદરા નેશનલ હાઇવે પર એક અકસ્માત સર્જાયો છે. આજવાથી વાઘોડિયા ચોકડી વચ્ચેના આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ કાળજું કંપાવી નાંખે તેવા છે. આ કરૂણ અકસ્માતમાં ટેમ્પો ચાલકે એક ટુવ્હીલરને અડફેટે લીધું હતુ. બેફામ આવી રહેલા પિકઅપ ટેમ્પો ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને કચડી નાખ્યા હતા. આ ટુ વ્હીલર પર ત્રણ ભાઇઓ જઇ રહ્યાં હતા. જેમાંથી બે ભાઇઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે એક ભાઇની હાલત ગંભીર છે.

વડોદરા સુરત નેશનલ હાઇવે પર આજવાથી વાઘોડિયા ચોકડી વચ્ચે ટેમ્પો ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું છે. આ અકસ્માતનાં કાળજું કંપાવી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દેખાઇ રહ્યુ છે કે, પૂરપાટ ઝડપે આવી રહેલા પિકઅપ ટેમ્પો ચાલકે બાઈકને અડફેટે લઇને વાહન પર સવાર ત્રણ યુવકોને કચડી નાખ્યા છે.

આ બાઇક પર ત્રણ ભાઇઓ રોહિત વર્મા, શ્રવણ વર્મા અને કરણ વર્મા સાથે જઇ રહ્યા હતા. આ દરમિયાન રોહિત વર્મા અને શ્રવણ વર્મા માટે પીકપ ટેમ્પો ચાલક યમદૂત સાબિત થયો છે. આ બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ત્રીજો ભાઇ કરણ વર્માની હાલત ગંભીર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

આ ત્રણેવ યુવાન વડોદરાના દંતેશ્ર્વર વિસ્તારના રહેવાસી છે. આ ભાઇઓ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બે ભાઇના મોતની ખબર સાંભળીને આખા પરિવારમાં માતમ ફેલાઇ ગયો છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.