વાડોદરની ગેસ એજન્સી ઉજજવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા વસુલતા 23.88 લાખનો દંડ કર્યો

વાડોદર ગામની મહાકાળી એચ.પી.ગેસ એજન્સીના ઉજજવલા યોજનાના લાભાર્થી પાસે પુરવઠા અધિકારીએ ટેલિફોનીક વાત કરતા કનેકશન આપવાના 500 થી 600 રૂપિયા વસુલતા હોવાનુ ખુલ્યુ હતુ. તપાસ કરતા એજન્સીએ ઉજજવલા યોજનાા 4777 લાભાર્થીઓ પાસેથી રૂ.500 ઉઘરાવતા કલેકટરે રૂ.23.88 લાખનો દંડ ગેસ એજન્સીને ફટકાર્યો છે.

મોરવા(હ)તાલુકાના વાડોદર ગામે આવેલ મહાકાળી એચ.પી.ગેસ એજન્સી દ્વારા ઉજજવલા યોજનાના લાભાર્થીઓને છેતરીને નાણાં પડાવતા હોવાની બાતમી મળતા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા તથા ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 4777 લાભાર્થીઓને ઉજજવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન આપવામાં આવ્યા છે. પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતા એજન્સી ખાતેના ઉજજવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂ.500 વસુલતા હોવાનુ સામે આવ્યુ હતુ.

તેમજ ઉજજવલા યોજના લાભાર્થીઓ પાસેથી રૂ.31.50 વધુ વસુલ્યા હતા. પુરવઠા વિભાગે એજન્સીને નોટિસ આપતા એજન્સી દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો રજુ કરી શકેલ નથી. જેથી મહાકાળી એચ.પી.એજન્સી દ્વારા ઉજજવલા યોજનાના 4777 લાભાર્થીઓ પાસેથી રૂ.500 વસુલતા હોવાનુ પુરવાર થતાં જિલ્લા કલેકટર આશિષ કુમારે રૂ.23,88,626/-નો દંડ ફટકાર્યો છે.