ઉત્તર અંડમાન સાગર અને બંગાળની પૂર્વ મધ્ય ખાડીમાં 22 મેના રોજ ઓછું દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે તેવી શક્યતા છે. આ જાણકારી બુધવારના રોજ હવામાન વિભાગે આપી છે. હવામાન વિજ્ઞાન વિભાગના ક્ષેત્રીય નિર્દેશક જી કે દાસએ જણાવ્યું હતું કે, તે ઉત્તર પશ્ચિમની તરફ આગળ વધી શકે છે અને 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ-ઓડિશાના કિનારા સુધી પહોંચી શકે છે. ચક્રવાતી તોફાનની ઝડપ વધારે તેજ થઇ શકે છે.
પશ્ચિમ બંગાળના તટીય જિલ્લાઓમાં હળવેકથી મધ્યમ સ્તરનો વરસાદ થઇ શકે
22 મેના રોજ બનનારા ઓછાં દબાણનું ક્ષેત્ર આગામી 72 કલાકમાં ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇ શકે છે. તેઓએ જણાવ્યું કે, 25 મેથી પશ્ચિમ બંગાળના તટીય જિલ્લાઓમાં હળવેકથી મધ્યમ સ્તરનો વરસાદ થઇ શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, ત્યાર બાદ વરસાદ વધારે તેજ થશે અને દક્ષિણ બંગાળના જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે.
ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવાઝોડાંથી ભારે નુકસાન થયું હતું
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ‘તાઉ-તે’ વાવાઝોડાંથી ભારે નુકસાન થયું હતું. વિજળીના થાંભલાઓ સહિત અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાં તેમજ કેટલાંક ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ દરમ્યાન આ ઘટનાઓમાં અંદાજે 13 લોકોના મોત નિપજ્યાં હતાં. ચક્રવાતી તોફાનના કારણે 200થી પણ વધારે તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. જો કે, રાજ્ય સરકારે પહેલેથી જ બે લાખથી પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરી દીધા હતાં.