વધુ એક પર્યાવરણલક્ષી ભેટ : રાજ્યને મળ્યું બીજું વન કવચ !

  • પાવાગઢ નજીક જેપુરા ખાતે નવનિર્મિત વનકવચનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
  • મુખ્યમંત્રીની સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યા બાદ વન કવચ સંકુલની મુલાકાત લીધી.
  • 1.1 હેક્ટર વિસ્તારમાં વૈજ્ઞાનિક ઢબે નિર્માણ પામેલા વનકવચમાં 100થી વધારે પ્રકારના 11 હજારથી વધારે છોડનું વાવેતર.

ગોધરા, પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન તેમજ વિકાસના હરિયાળા માર્ગ પર આગળ વધવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ જેપુરા-પાવાગઢ ખાતે નવનિર્મિત વનકવચનું લોકાર્પણ કરીને, રાજ્યને વધુ એક પર્યાવરણલક્ષી ભેટ આપી છે. મુખ્યમંત્રીની સાથે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઇ બેરા, શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર, વન રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યા બાદ વન કવચ સંકુલની મુલાકાત લીધી હતી.

પટેલે અહીં વનકવચ નિર્માણમાં કરવામાં આવેલી માટીકામની પદ્ધતિનું ડેમોસ્ટ્રેશન રસપૂર્વક નિહાળ્યું હતું તેમજ વન કવચની રૂપરેખા અંગે સમજ મેળવી હતી. ગોધરાના નાયબ વન સંરક્ષક મિનલ જાનીએ મુખ્યમંત્રી પટેલને અહીં ઉપલબ્ધ વનસ્પતિના પ્રકારો અને વિવિધ જાત તેમજ વનકવચની અન્ય વિશેષતા-આકર્ષણ અંગે માહિતગાર કર્યા હતા. સ્વ સહાય જૂથ દ્વારા નિર્મિત કોકોપીટ અને મહુડા તેલની પ્રદર્શની નિહાળીને મુખ્યમંત્રીએ તેના ઉત્પાદન અંગે પૃચ્છા પણ કરી હતી.

પાવાગઢ થી માત્ર 6 કિલોમીટરના અંતરે જેપુરા ખાતે ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા 1.1 હેકટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરાયેલા આ વનકવચમાં 100થી વધુ પ્રકારના 11 હજારથી પણ વધારે છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં 200થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે, જે જૈવિક વિવિધતાનું ઉદાહરણ પૂરૂં પાડે છે.

જેપુરા વનકવચની વિશેષતાઓ પર નજર કરીએ તો, પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવો જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીંના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ છે. વિશિષ્ટ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને 8 પીલ્લરની મદદથી આ ગઝેબોને ઉભા કરવામાં આવ્યા છે, જે પાવાગઢને મળેલા વર્લ્ડ હેરિટેજ સાઈટના બિરૂદને શોભાવે છે. ગઝેબો ઉપર 4 વિશિષ્ટ વનસ્પતિઓ જેવી કે વડ, આંબો, કાંચનાર તથા કેસૂડાની ડાળીઓ અને પાંદડાની આબેહૂબ પ્રતિકૃતિઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરી ગુંબજ બનાવવામાં આવ્યો છે.

વન કવચનું ઇજનેરી કામ એટલું અદભૂત છે કે આશ્ર્વર્ય સાથે નજર સ્થિર થઈ જાય. રાજુલા પથ્થરથી બનાવેલા રસ્તા, પથ્થરથી બનાવેલા ગઝેબ તથા પ્રાચીન શિલ્પકળાથી બનાવેલો પ્રવેશદ્વાર વર્ષોવર્ષ સુધી જાળવણી મુક્ત રહેશે. અહીં વર્લ્ડ હેરિટેજ સાઇટના સ્મારકો જોવા માટે આવતા પ્રવાસીઓ અને મહાકાળી ધામ પાવાગઢમાં માતાજીનાં દર્શને આવતાં દર્શનાર્થીઓ માટે જોવાલાયક વધુ એક સ્થળ ઊભું કરવામાં આવ્યું છે. વન કવચમાં નિર્મિત સ્કાય વોક અને વોચ ટાવર ઉપર ચઢીને પ્રવાસીઓ અને યાત્રાળુઓ વન કવચની સુંદરતાને માણી શકે અને કેમેરામાં કેદ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

તદુપરાંત વન કવચમાં મધ્ય ગુજરાતના વનોનું એક વામન સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 100 થી પણ વધુ વૃક્ષ, ક્ષુપ અને ઔષધિઓના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. ઔષધિઓ તરીકે ઉપયોગી અર્જુનસાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરૂ, અરડુસી, વાયવર્ણો, પારિજાતક, અશ્ર્વગંધા વગેરે તેમજ અતિ દુર્લભ એવી પાટલા, કીલાઈ, પત્રાળી, કુસુમ, ભિલામો, ટેટુ, ભૂત આલન, કુંભયો, ભમ્મરછાલ, રગતરોહીડો, મટરસિંગ, બોથી વગેરેનું વાવેતર કરાયું છે.

વન કવચમાં સિલ્વા તથા મધ્ય ગુજરાતની વિવિધ નર્સરીઓમાં ઉછેરાતા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જૈવિક ખાતરનો ઉપયોગ કરી, કરવામાં આવેલા વાવેતરમાં વર્ષોથી સુષુપ્ત રૂટ સ્ટોક થકી જંગલી કંટોળા જેવી અતિ દુર્લભ પ્રકારની વનસ્પતિ પણ હવે જાતે જ ઉગવા લાગી છે.

મહત્વનું છે કે, વર્ષ-2022માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ વાર વનકવચ પદ્ધતિથી નિર્મિત વનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રકૃતિનાં સંરક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી અને પાવાગઢ ખાતે વનકવચ બનાવવા માટે આહવાન કર્યું હતું. ત્યારે ગુજરાતને વધારે હરિયાળું બનાવવા માટે સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે 74મા રાજ્યકક્ષાના વનમહોત્સવની ઉજવણી પ્રસંગે જેપુરા વનકવચનું લોકાર્પણ કરી, રાજ્યના નાગરિકોને વધુ એક પર્યાવરણલક્ષી ભેટ આપી છે.

વનકવચનાં લોકાર્પણ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સી. કે. રાઉલજી, જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ, કલેક્ટર આશિષકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ કે. ચતુર્વેદી, જીલ્લા વિકાસ અધિકારી ડી. કે. બારીયા, વડોદરા વિભાગના મુખ્ય વન સંરક્ષક અંશુમન, પંચમહાલના ડી.સી.એફ. એમ.એલ.મીના, નાયબ વન સંરક્ષક મિનલ જાની સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.