નવીદિલ્હી,
છેલ્લા થોડા દિવસોમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ફ્લાઈટ માં લોકો ખરાબ રીતે વર્તન કરતાં તો માથાકૂટ કરતાં નજર આવ્યા છે. જો કે હવે વિસ્તારાની ફ્લાઈટમાં પણ આવો હંગામાનો એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જણાવી દઈએ કે અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં એક ઈટાલિયન મહિલાએ કેબિન ક્રૂ સાથે મારપીટ કરી હતી અને વાત અંહિયા પૂરી નથી થતી. એ મહિલાએ ફ્લાઈટમાં પોતાના કપડા પણ ઉતાર્યા હતા. જો કે હાલ મુંબઈ પોલીસે મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને નોટિસ પણ જારી કરી છે.
આ કિસ્સા પર પોલીસે જણાવ્યું કે એ ઈટાલિયન મૂળની મહિલાનું નામ પાઓલા પેરુસિયો છે અને એ મહિલા કેબિન ક્રૂની ઇકોનોમી ટિકિટ હોવા છતાં તે બિઝનેસ ક્લાસમાં બેસવાની જિદ્દ કરી રહી હતી. એ સમયે જ્યારે ક્રૂએ તેને બિઝનેસ ક્લાસમાં બેસવા માટે ના પાડી તો તે મહિલા હિંસક થઈ ગઈ હતી અને કેબિન ક્રૂ સાથે મારપીટ કરવા લાગી હતી. આ સાથે જ એ મહિલાએ તેના કેટલાક કપડા પણ ઉતાર્યા અને રસ્તાની વચ્ચે ફરવા લાગી હતી.
જણાવી દઈએ કે વિસ્તારાએ પણ આ ઘટના પર નિવેદન જારી કર્યું હતું અને કંપનીએ કહ્યું હતું કે આ ઘટના ૩૦ જાન્યુઆરીએ ફ્લાઈટ નંબર ૨૫૬ પર બની હતી. આ ફ્લાઈટ અબુ ધાબીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. જેમાં એક મહિલા મુસાફર બેફામ બની ગઈ હતી અને તેને હિંસક વર્તન કરતા કેબિન ક્રૂ અને અન્ય મુસાફરોને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ દરમિયાન ફ્લાઈટના કેપ્ટને મહિલાને ચેતવણી કાર્ડ પણ જારી કર્યું હતું.
આપણે બધા જણી છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઈટમાં હંગામાના વિવિધ કિસ્સા સામે આવી રહ્યા છે અને એક આવો જ એક કિસ્સો ૨૩ જાન્યુઆરીએ પ્રકાશમાં આવ્યો હતો. એ કિસ્સામાં દિલ્હીથી હૈદરાબાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં કેબિન ક્રૂ સાથે મારપીટ કરવામાં આવી હતી અને મુસાફરે કેબિન ક્રૂ સાથે ગેરવર્તન કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. ફ્લાઈટમાં હોબાળો થયા પછી આસપાસ બેઠેલા લોકોએ મામલો શાંત કર્યો હતો અને એ પછી આરોપી મુસાફર અને તેના સાથીને વિમાનમાંથી ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા.
એ વિશે સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેટ-લીઝ્ડ કોરેન્ડન ફ્લાઈટ દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી એન દિલ્હીમાં બોર્ડિંગ દરમિયાન એક મુસાફરે અયોગ્ય વર્તન કર્યું હતું. જો કે આ મામલે ક્રૂ મેમ્બરોએ પીઆઈસી અને સુરક્ષા કર્મચારીઓને જાણ કરી હતી. અને મુસાફર અને તેના સાથીદારને ઉતારીને સુરક્ષા ટીમને સોંપવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે આ પહેલા ૯ જાન્યુઆરીએ ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં મુસાફરો પર દારૂના નશામાં હંગામો મચાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટમાં બની હતી જે દિલ્હીથી પટના આવી રહી હતી. જો કે એ બાદ એરપોર્ટ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. એરપોર્ટ પર તૈનાત એસએચઓએ પુષ્ટિ કરી હતી કે મુસાફરો નશામાં હતા.