રાષ્ટ્રીય સેમ્પલ સર્વે કાર્યાલય (એનએસએસઓ)એ ૨૦૨૨-૨૩ માટે જે ઘરેલુ ખર્ચ સર્વેક્ષણનો સારાંશ રજૂ કર્યો છે, તેનું સ્વાગત થઈ રહ્યું છે. લગભગ ૧૧ વર્ષ બાદ આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે, તો અધ્યયન અને અમલની દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. હવે વિભિન્ન આર્થિક અને સામાજિક શોધ સંસ્થાઓને વિચાર-મંથનમાં સુવિધા થશે. આંકડા સ્પષ્ટ સાક્ષી આપે છે કે દેશ વિકસિત થઈ રહ્યો છે. ૨૦૧૧-૧૨માં એક સરેરાશ ગ્રામીણ ભારતીયનો ભોજન ખર્ચ ૧૭૫૦ રૂપિયા માસિક રહેતો હતો, જે ૨૦૨૨-૨૩માં વધીને ૩૭૭૩ રૂપિયા થઈ ગયો છે. આ દરમ્યાન શહેરી ભારતીયોનો માસિક ભોજન ખર્ચ ૨૫૩૦ રૂપિયાથી વધીને ૬૪૫૯ રૂપિયા થઈ ગયો છે. ગામ હોય કે શહેર, ભોજન પર થનારો ખર્ચ તો બેગણાથી વધી ગયો છે, પરંતુ બાકી કુલ ખર્ચમાં એટલો વધારો નથી થયો. જોકે ભારતમાં લોકોની આવક અને ખર્ચમાં બહુ અસમાનતા છે. આપણા દેશમાં આર્થિક રૂપે ટોચના પાંચ ટકા ગ્રામીણ અને શહેરી ભારતીય એક મહિનામાં સરેરાશ ૧૦,૫૦૧ રૂપિયા અને ૨૦,૮૨૪ રૂપિયા ખર્ચ કરવા લાગ્યા છે.
પહેલાં એ આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે ભારતીયોના સરેરાશ ખર્ચમાં ઘટાડો થયો છે. જ્યારે એનએસએસઓ દ્વારા તૈયાર ૨૦૧૭-૧૮ના આંકડા લીક થયા હતા, ત્યારે એ જ આધાર પર સરકારની ટીકા થઈ હતી.બાદમાં એ આખા રિપોર્ટને જ સરકારે કચરાટોપલીમાં પધરાવી દીધો હતો એ ત્યારબાદથી એવું લાગી રહ્યું હતું કે દેશમાં આવક ઘટવાને કારણે પ્રશાસન આંકડા બહાર પાડવામાં બચવા માગે છે. એકંદરે રિપોર્ટનો સાર જ જાહેર કરવામાં આવ્યો છે, વિસ્તૃત રિપોર્ટ માટે થોડી રાહ જોવી પડી શકે છે. કોઈપણ સરકાર પર આંકડા જાહેર કરવાનું દબાણ રહે જ છે અને સાચા આંકડા એટલા માટે જરૂરી છે, જેથી તેના આધાર પર બહેતર વિકાસ યોજનાઓનું માળખું ઘડી શકાય. એ વાત છૂપી નથી કે વચ્ચે મહામારી અને લોકડાઉનથી અર્થવ્યવસ્થામાં બહુ ઘટાડો થયો હતો, ત્યારે એવા સમયના આંકડા જારી ન કરીને નેતાઓએ દેશને નિરાશાથી બચાવ્યો છે, જોકે અર્થશાસ્ત્રીઓ આવી દલીલો નથી માનતા. દેખીતું છે કે અર્થવ્યવસ્થાના વિવિધ પાસાંને વધુ સમય સુધી છૂપાવી ન શકાય અને ક્યારેકને ક્યારેક આંકડા સામે આવે જ છે. બેશક, જારી આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને ખર્ચની પદ્ઘતિમાં બદલાવ આવી રહ્યો છે. એક સમય હતો જ્યારે મોટાભાગના પરિવાર પોતાના માટે ભોજન મેળવવામાં જ ખર્ચ થઈ જતા હતા, પરંતુ હવે ભોજન પર થનારા ખર્ચનો અનુપાત ઘટી રહ્યો છે અને આપણે બહેતર જીવનના બીજા સાધનો પર વધુ ખર્ચ કરવાની સ્થિતિમાં આવી રહ્યા છીએ. ૨૦૧૧-૧૨માં ગ્રામીણ અને શહેરી પરિવારોના કુલ ખર્ચમાં ખાદ્ય ઉપભોગની હિસ્સેદારી અનુક્રમે ૫૨.૯ ટકા અને ૪૬.૨ ટકા હતી. ૨૦૨૨-૨૩માં તે ઘટીને અનુક્રમે ૪૬.૪ ટકા અને ૩૯.૨ ટકા રહી ગઈ છે. એ સુખદ છેકે ગ્રામીણ ભારતીયોએ પોતાની આવકમાંથી અડધાથી પણ ઓછો હિસ્સો હવે ભોજનમાં લગાવવો પડે છે. ભોજનમાં પણ વિવિધતા આવી છે અને અનાજ પર નિર્ભરતા ઘટી રહી છે. એટલું તો નક્કી છે કે ભારતમાં ખાદ્ય બજારનું ભવિષ્ય ઉજ્જ્વળ છે.