વાડથી નહીં જવાનોની બહાદુરી અને સતર્કતાથી દેશની સરહદ સુરક્ષિત: શાહ

નવીદિલ્હી,

સરહદ પર વાડ કરવાથી નહીં, જવાનોની બહાદુરી અને સતર્કતાને કારણે દેશની સુરક્ષા થાય છે એવી ટિપ્પણી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે કરી હતી. શાહે જણાવ્યું હતું કે, સરહદી ગામોના દેશભક્ત લોકો પણ સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીએસએફ દ્વારા ઇન-હાઉસ તૈયાર કરાયેલી ’પ્રહરી’ મોબાઇલ એપ લોન્ચ કરતી વખતે શાહે જણાવ્યું હતું કે, ’વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ હેઠળ લોકોએ ગામડાંમાં પર્યટન વધારવાના પ્રયાસ કરવા જોઇએ.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ’વન બોર્ડર વન ફોર્સ’નો કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો. જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદોના રક્ષણની જવાબદારી બીએસએફના ભાગે આવી હતી. શાહે જણાવ્યું હતું કે, ’બીએસએફના બહાદુર જવાનો ભારે સતર્કતા, તાકાત, ચોક્સાઇ અને સાતત્યપૂર્ણ પ્રયાસો સાથે સરહદોનું રક્ષણ કરે છે. સરહદની સુરક્ષા ત્યારે નિશ્ર્ચિત કરી શકાય જ્યારે સરહદના ગામોમાં પૂરતી વસ્તી હોય. આવા વિસ્તારોમાં રહેતા દેશભક્ત નાગરિકો કાયમી સુરક્ષા પૂરી પાડી શકે. તમામ સરહદી સુરક્ષા દળો તેને મજબૂત બનાવે છે. શાહે જણાવ્યું હતું કે, ’બીએસએફ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૨૬,૦૦૦ કિગ્રા નાર્કોટિક્સ તેમજ ૨,૫૦૦ હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. સરહદ પર એન્ટિ-ડ્રોન ટેક્નોલોજી હજુ પ્રાયોગિક તબક્કામાં છે, પણ તે મહદ્અંશે સફળ રહી છે.’

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ’છેલ્લા છ મહિનામાં બીએસએફે પશ્ર્ચિમી સરહદે ૨૨ ડ્રોન તોડી પાડ્યા છે અને આ એક મોટી સિદ્ધિ છે. હથિયારો કે ડ્રગ્સ પહોંચાડવા માટે વપરાતા ડ્રોન્સને પકડવામાં પણ સફળતા મળી છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’બીએસએફ ડ્રોન/યુએવી અને સાયબર ફોરેન્સિક લેબ નોઇડામાં સ્થાપવામાં આવી છે. તેની મદદથી પકડાયેલા ડ્રોનની લિંક અને સરહદ પારના લોકેશન્સની માહિતી મેળવાઈ છે.’ શાહે જણાવ્યું હતું કે, ટોપોગ્રાફીમાં મુશ્કેલીને કારણે કેટલાક સ્થળે ફેન્સિંગનું કામ થઈ શક્યું નથી, પણ બીએસએફ દ્વારા ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ માટે ઇન-હાઉસ ટેક્નોલોજી વિક્સાવાઈ છે.