વચનો પર જનતા નેતાઓને સવાલ કરે

ચૂંટણી ઢંઢેરા વગર ચૂંટણી સંભવ નથી. ઢંઢેરો કોઈપણ સ્તરની ચૂંટણી માટે બહુ જરૂરી છે. ઢંઢેરો કોઈ પાર્ટીનું વિઝન હોય છે. ઢંઢેરાના આધારે જ જનતા મતદાન માટે પાર્ટીઓની પસંદગી કરે છે. આ એક રીતે પાર્ટીઓનો લેખિત દસ્તાવેજ હોયછે. રાષ્ટ્ર કઈ દિશામાં જશે, એ ઢંઢેરાથી નક્કી થાય છે. દુર્ભાગ્ય છે કે કેટલાક વર્ષોથી ઢંઢેરા પર પ્રશ્ર્નચિહ્ન ઊભા થવા લાગ્યા છે. ઢંઢેરો યોગ્ય છે કે નહીં, તેના ઉપર ચર્ચા થવા લાગી છે. લોકોને લોભાવા માટે ચૂંટણી ઢંઢેરા તૈયાર કરવામાં આવે છે, એવા આરોપ લાગવા માંડ્યા છે. આ લોક્તંત્ર માટે ચિંતાનો વિષય છે. પ્રશ્ર્નચિહ્ન ઊભું થવાનો મતલબ છે જનતાનો ઢંઢેરા પર વિશ્વાસ ન હોવો. ઢંઢેરા પર વિશ્વાસ ન હોવાનો અર્થ છે, સંબંધિત પાર્ટીની વિશ્વસનીયતા પર શંકા હોવી.

૨૦૧૩માં ચૂંટણી ઢંઢેરાનો કેસ સુપ્રીમમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટર્ના નિર્દેશ અનુસાર ચૂંટણી પંચે એક ગાઇડલાઇન બનાવી. ગાઇડલાઇનમાં સ્પષ્ટ છે કે ઢંઢેરામાં જે વાત કહેવાઈ રહી છે, તેને પાર્ટીઓ પૂરી કરી શકે છે કે નહીં, કરશે તો કેવી રીતે, એ બાબતે સંપૂર્ણ જાણકારી જનતા સામે મૂકવી પડશે. ત્યારબાદથી ઢંઢેરા ઉપર પાર્ટીઓ થોડી ગંભીર થઈ. ચૂંટણી પંચ પાસે એવો અધિકાર નથી કે જે પાર્ટીએ ઢંઢેરાને અનુરૂપ કામ ન કર્યું, તેને ચૂંટણી લડવાથી રોકી શકે. એવો અધિકાર હોવો પણ ન જોઇએ. તેનો દુરુપયોગ થવાનું શરૂ થઈ જશે.

પ્રશ્ર્ન એ થાય છે કે એવું શું કરવું જેનાથી પાર્ટીઓ ઉપર લગામ લાગે, પાર્ટીઓ ઇમાનદારીથી ઢંઢેરા તૈયાર કરે. સીધો જવાબ છે કે જનતા જ ઢંઢેરા પર સવાલ કરવાનું શરૂ કરે. પાર્ટીઓ રસ્તા પર આવી જશે. જ્યારે નેતા જનતાના ઘરે મત માગવા માટે જાય છે તો સીધો સવાલ કરવામાં આવે કે તમે ઢંઢેરાનાં વચનો કેવી રીતે પૂરાં કરશો? પૈસા ક્યાંથી આવશે? તમારી પાસે શી આથક નીતિ છે, જેનાથી ખજાનો ખાલી નહીં થાય? ઢંઢેરો ક્યાં સુધી લાગુ થઈ જશે? એવા સવાલ જ્યાં સુધી જનતા દ્વારા પૂછવામાં નહીં આવે ત્યાં સુધી પાર્ટીઓ રસ્તા પર નહીં આવે. જનતાની ભાવનાઓ સાથે નેતાઓ રમત કરીને આરામથી ચૂંટણી જીતી જાય છે. જે નેતાઓને સવાલ કરવા જોઇએ, એ નેતાઓને જનતા માળા પહેરાવવા લાગે છે. ઘરે પહોંચતાં ગર્વ અનુભવે છે. આસપાસના લોકોને ફોન કરીને જણાવે છે કે મારા ઘરે નેતાજી આવ્યા હતા. લોક્તંત્રમાં અસલી માલિક જનતા હોય છે. જનતા નેતા બનાવે છે. જનતા સરકાર બનાવે છે. જનતાએ એ વાતનો અહેસાસ કરાવવાનું છોડી દીધું છે. આ લોક્તંત્ર માટે બહુ જ ખતરનાક સ્થિતિ છે. લોક્તંત્ર ત્યાં સુધી મજબૂત રહે છે, જ્યાં સુધી જનતા સવાલ કરતી રહે છે. જે દિવસથી જનતા સવાલ કરવાનું બંધ કરી દે છે, એ દિવસથી લોક્તંત્રનાં મૂળ કમજોર થવા લાગેે છે. જે માલિક છે, તે એમ કહે છે કે કાયદો બનાવો, જેથી પાર્ટીઓ ઇમાનદારીથી ચૂંટણી ઢંઢેરા તૈયાર કરે. શું દરેક કામ માટે કાયદા જ બનાવવા પડશે? જવાબદારી નામની કોઈ ચીજ છે કે નહીં!

ગંભીર ચિંતાનો વિષય એ છે કે જનતા પોતાનો સ્વાર્થ જોવા લાગી છે, રાષ્ટ્રનું હિત નહીં. જે પાર્ટી ફ્રી રેવડીઓની જાહેરાત કરે છે તેને જનતા જીતાડી લાવે છે. એવામાં જે પાર્ટીઓ ઈમાનદારીથી કામ કરવા માગે છે તે પણ લોકરંજક ઢંઢેરો તૈયાર કરવા મજબૂર થઈ જાય છે. આશય એ કે લોક્તંત્રની અસલી ચાવી જનતા પાસે હોય છે. જનતા પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને નહીં, બલ્કે રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને મતદાન કરે. રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી જ લોક્તંત્રનો પાયો મજબૂત થશે.