નવીદિલ્હી, દેશના વિવિધ ભાગોમાં આ દિવસોમાં હવામાનના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે. જ્યારે પર્વતીય શિખરો હિમવર્ષાથી ગુંજી રહ્યાં છે, ત્યારે મેદાની વિસ્તારો કાળઝાળ ગરમીને કારણે સળગી રહ્યાં છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પહાડોમાં હિમવર્ષા અને વરસાદથી લોકોને ચોક્કસ રાહત મળી છે. ઠંડા પવનને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે દિલ્હીમાં એપ્રિલથી ગરમીની લહેર શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે ઉનાળાની ૠતુમાં પહાડોમાં હિમવર્ષાના કારણે રાજધાની હજુ પણ હીટ વેવની શક્યતાઓથી સુરક્ષિત છે. હવે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ હવામાન આવું જ રહેવાની શક્યતા છે. જો કે ૨ મેથી તાપમાન વધવાનું શરૂ થશે. ૪ મેના રોજ તાપમાન ૪૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
દિલ્હીમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૧ ડિગ્રી રહી શકે છે. મહત્તમ તાપમાન ૩૬.૫ ડિગ્રી હતું. આ સામાન્ય કરતાં ૩ ડિગ્રી ઓછું છે. સાથે જ લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. આ સામાન્ય કરતાં ૨ ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ ૧૮ થી ૫૭ ટકા રહ્યું હતું. ગરમીથી રાહત મળશે. આગાહી અનુસાર, આકાશ સ્વચ્છ રહેશે અને ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ૨ અને ૩ મેના રોજ મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૦ થી ૨૨ ડિગ્રી રહી શકે છે. ૪ મેના રોજ હળવા વરસાદની સંભાવના છે. આમ છતાં ૪ થી ૬ મે દરમિયાન મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સ્કાયમેટ અનુસાર, એપ્રિલમાં માત્ર એક જ દિવસ તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યું હતું. ૨૬ એપ્રિલે મહત્તમ તાપમાન ૪૦.૫ ડિગ્રી હતું.
તે જ સમયે, ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. બિહારના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ૪૨ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે હીટ વેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પૂણયા, શેખપુરા અને ભાગલપુરના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે અને હવામાન વિભાગે અહીં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય રાજધાની પટના, ચંપારણ, દરભંગા, મુઝફરપુર, નવાદા, બેગુસરાય, કૈમુર, ઔરંગાબાદ, લખીસરાય, ખગરિયા, બાંકા, જમુઈ અને મુંગેરમાં કેટલાક સ્થળોએ હીટ વેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઝારખંડ પણ આત્યંતિક ગરમીની પકડમાં છે અને મંગળવારે પૂર્વ સિંઘભૂમ જિલ્લાના બહારગોરામાં મહત્તમ તાપમાન ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જ્યારે જમશેદપુર શહેર, ગોડ્ડા અને સેરાઇકેલામાં ૪૫.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાળઝાળ ગરમીને જોતા હવામાન વિભાગે રાજ્યના ૧૧ જિલ્લાઓ માટે ૧ મે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ રહી શકે છે.
ઉત્તર પ્રદેશમાં પણ ગરમીની લહેર જોવા મળી રહી છે અને મંગળવારે પ્રયાગરાજ સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન વધીને ૪૪ ડિગ્રી સેલ્સિયસ થયું હતું. જ્યારે કુશીનગર, ગાઝીપુર અને વારાણસીમાં દિવસનું તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.૨ મેના રોજ સમગ્ર રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આ સાથે ૨૫-૩૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે જેના કારણે કેટલાક જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.