ઉત્તરપ્રદેશ, લોક્સભાની ચૂંટણીઓમાં બેઠકની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે ઘણાં લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠનો છેવટે ઉકેલ આવ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પક્ષે લોક્સભાની ચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં બેઠકની વહેંચણી અંગે સમજૂતી કરી છે. સમાજવાદી પક્ષ ઉત્તરપ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી કોંગ્રેસ માટે ૧૭ બેઠકો છોડશે, જ્યારે મધ્યપ્રદેશમાં સપા એક માત્ર ખજૂરાહોમાંથી ચૂંટણી લડી બાકીની બેઠકો પર કોંગ્રેસને ટેકો આપશે.
સૂત્રો અનુસાર, અખિલેશને મનાવવામાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રિયંકાએ મંગળવારે અખિલેશ સાથે ફોન પર કરેલી વાતચીત બાદ બંને પક્ષો વચ્ચેની સમજૂતી શક્ય બની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સપાએ અગાઉ કોંગ્રેસને ૧૧ બેઠક આપવાની દરખાસ્ત કરી હતી. જેને કોંગ્રેસે નકારી દીધી હતી.
જોકે હવે બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કરતા સતત વિખરાઈ રહેલા ઈન્ડિયા ગઠબંધનને થોડી રાહત થશે. યુપીમાં કોંગ્રેસ જે બેઠકો પરથી ચૂંટણી લડશે તેમાં રાયબરેલી અને અમેઠી પણ સામેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વારાણસીનો પણ સમાવેશ થાય છે. હાલમાં સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ છે, જ્યારે રાહુલ ૨૦૧૯માં ભાજપના સ્મૃતિ ઈરાની સામે લોક્સભાની ચૂંટણીમાં હારી ગયા હતાં. સપા અને કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદમાં બેઠક વહેંચણી મુદ્દે થયેલી સમજૂતીની જાહેરાત કરી હતી.