ઉત્તરપ્રદેશમાં બલિયા બાદ દેઓરિયામાં હીટસ્ટ્રોકનો હાહાકાર: ૨૪ કલાકમાં ૫૪ મોત

લખનૌ : ઉતરપ્રદેશ-બિહાર જેવા રાજયો અત્યંત ભયજનક અને ઘાતક હીટવેવમાં સપડાયા છે. ઉતર પ્રદેશમાં બલિયા બાદ દેઓરિયામાં સુર્યકોપથી એક જ દિવસમાં ૫૪ લોકોનાં મોત નીપજતા હાહાકાર સર્જાયો છે.ઉતર પ્રદેશમાં છેલ્લા પાંચ દિવસમાં જ ૧૨૨ લોકો સનસ્ટ્રોકનો શિકાર બન્યા છે.બિહારમાં પણ અંદાજીત ૫૦ લોકોએ જાન ગુમાવ્યા હોવાથી હિટ સ્ટ્રોકનો મૃત્યુઆંક ૧૭૦ થી વધુ થયો છે.

હવામાન વિભાગે જોકે પ્રચંડ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના દર્શાવી છે. ઉતરપ્રદેશનાં દેઓરિયામાં ૨૪ કલાકમાં ૫૪ મોત મામલે હોસ્પીટલ સતાવાળાઓ બચાવ કરી રહ્યા છે. મેડીકલ કોલેજનાં પ્રિન્સીપાલ રાજેશ બરનવાલાના કહેવા પ્રમાણે ૧ થી ૧૮ જુન દરમ્યાન હોસ્પીટલમાં ૧૨૬ લોકોનાં મોત થયા છે. તેમાં વિવિધ કારણો જવાબદાર છે. માત્ર હીટ સ્ટ્રોકથી મોત નથી.

બીજી તરફ હીટ સ્ટ્રોકથી મોટી સંખ્યામાં મોતના રીપોર્ટ બાદ કેન્દ્ર સરકાર દ્વારા ટીમ દોડાવવામાં આવી છે અને પરિસ્થિતિ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. દરમ્યાન હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આજથી યુપી બિહાર, સહીતનાં રાજયોને ગરમીમાંથી રાહત મળવા લાગશે. કેટલાંક ભાગોમાં હળવો વરસાદ પણ થશે.