લખનૌ, ઉત્તર પ્રદેશમાં ૨૩ જિલ્લા પૂરથી પ્રભાવિત છે. અધિકારીઓનો દાવો છે કે લગભગ ૬૦૦ ગામોમાં બે લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. જોકે, રાહત કમિશનરનું કહેવું છે કે સંબંધિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ખેતીની જમીનમાં ડૂબી જવા અને પાકને થયેલા નુક્સાનનો સર્વે કરીને રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું છે.
રાહત કમિશનર (યુપી) જીએસ નવીન કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ બંધ સુરક્ષિત છે અને પૂર પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને કૃષિભૂમિમાં જળમગ્ન જમીન અને પૂરને કારણે પાકને થયેલા નુક્સાનનો સર્વે કરીને અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં અમરોહા (૪૫ ગામો), આઝમગઢ (૮), બલિયા (૧), બારાબંકી (૪), બસ્તી (૬), બિજનૌર (૩૦), બદાઉન (૨૭), ફરુખાબાદ (૧૧૫), ફતેહપુર (૪), ગોંડા (૨૩), ગોરખપુર (૪), હરદોઈ (૫૫), કન્નૌજ (૯), કાનપુર (૩), કાસગંજ (૫૭), લખીમપુર ખેરી (૨૬), કુશીનગર (૧), મઉ (૩), મેરઠ (૪૦) ), મુઝફરનગર (૪૦), શાહજહાંપુર (૧૪), સીતાપુર (૬) અને ઉન્નાવ (૮૦ ગામો)નો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ૧,૧૦૧ પૂર આશ્રયસ્થાનો અને ૧,૫૦૪ ફ્લડ પોસ્ટની સ્થાપના કરી હતી, જ્યારે ૨,૧૩૫ તબીબી ટીમોને પૂર પ્રભાવિત ગામોમાં મોકલવામાં આવી હતી. બચાવ કામગીરી હાથ ધરવા માટે કુલ ૨૮૩૮ બોટ તૈનાત કરવામાં આવી હતી અને ૧૪ બચાવ ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી માટે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી હતી.
રાજ્યના મહેસૂલ વિભાગે પૂરગ્રસ્ત જિલ્લાઓમાં ૫,૦૧૪ સ્થળોએ ’રાહત ચૌપાલ’નું આયોજન કર્યું હતું. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર શાહજહાંપુરમાં રામગંગા નદી અને બલિયામાં ઘાઘરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાહત કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં, યુપીમાં સરેરાશ ૧.૪ મીમી વરસાદ નોંધાયો હતો, જે ૪.૮ મીમીના સામાન્ય વરસાદના ૨૯% હતો.
રાજ્યમાં ૧ જૂનથી અત્યાર સુધીમાં સરેરાશ ૪૯૫.૯ મીમી વરસાદ નોંધાયો છે, જે ૫૮૮.૧ મીમીના સામાન્ય વરસાદના ૮૪% હતો. તેમણે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોઈ જિલ્લામાં ૩૦ મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો નથી. ૧૨ જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ, ૨૪ જિલ્લામાં સામાન્ય વરસાદ, ૨૨ જિલ્લામાં ઓછો વરસાદ, ૧૧ જિલ્લામાં અત્યંત ઓછો વરસાદ અને છ જિલ્લાઓમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી ૪૦% કરતા ઓછો વરસાદ નોંધાયો છે.