
અમદાવાદ,
ગુજરાતમાં ફરી વળ્યું છે ઠંડીનું મોજું. છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ ઝોનમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. તેથી દરેકે પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજ પડતાની સાથે જ પવનની ગતિ વધુ તેજ બનતા ઠંડા પવનો ફૂંકાય છે. આ સિઝન તમને બીમાર પણ કરી શકે છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. જેને પગલે દરેકે સ્વાસ્થ્ય સંબંધિત સાવધાની રાખવાની જરૂર છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તેની અસર આગામી દિવસોના વાતાવરણ પર પણ થશે. જેથી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ ઠંડી વધશે અને તેની ખાસ અસર નદી કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો, ૪.૨ ડિગ્રી સાથે કચ્છ જિલ્લાનું નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ૧૨ ડિગ્રી સાથે અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ જણાઈ રહ્યો છે. જ્યારે કચ્છ જિલ્લાના ભુજ અને કંડલામાં પણ પારો ૧૦ ડિગ્રીએ પહોંચતા કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર-પૂવય પવનની અસરથી આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.