ઉત્તરી મેક્સિકોમાં યાત્રિકોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર, ૧૯ના મોત, અનેક ઘાયલ

સિનાલોઆ, ઉત્તરી મેક્સિકોના હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. વિગતો મુજબ મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ તરફ આ દર્દનાક અકસ્માતમાં ૧૯ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મેક્સિકોના નોર્થવેસ્ટર્ન સિનાલોઆ સ્ટેટમાં થયો હતો.

સ્થાનિક મીડિયા અનુસાર આ ઘટના મેક્સિકોના ઉત્તર-પશ્ર્ચિમ સિનાલોઆમાં બની હતી. જોકે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી મૃત્યુઆંકનો ખુલાસો કરવામાં આવ્યો નથી. આ અકસ્માત દરિયાકિનારાના ધોરીમાર્ગ પર થયો હતો જે બીચ-ફ્રન્ટ શહેરો માઝાટલાન અને લોસ મોચીસને જોડે છે. આ ભયાનક અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

મહત્વનું છે કે, અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે, સવારે થયેલા આ અકસ્માતમાં વાહનના ટુકડા થઈ ગયા હતા અને આગ લાગી હતી. અકસ્માત બાદ ઈમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.