નવીદિલ્હી,દેશમાં ઉત્તરભારતના ૪ રાજ્યોમાં કોરોના કહેર ફરી જોવા મળ્યો. અગાઉ દક્ષિણના રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો. જેના બાદ નિયંત્રણો લાદવામાં આવતા સ્થિતિ કાબુમાં આવી હતી. ત્યારબાદ હાલમાં ઉત્તરભારતના દિલ્હી અને યુપી સહિત ૪ રાજ્યોમાં કોરોના ફરી માથું ઉંચક્તું જણાય છે. રાજધાની દિલ્હીમાં બુધવારે કોરોનાના ૬૩ નવા કેસ નોંધાયા હતા. ગયા વર્ષે મે પછી આ પ્રથમ વખત છે જ્યારે દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના આટલા બધા કેસ મળી આવ્યા છે. દિલ્હી ઉપરાંત રાજસ્થાન, યુપી અને બિહારમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. મોટી વાત એ છે કે આ વખતે ઉત્તર ભારતમાં કેસ વધી રહ્યા છે, જ્યારે દક્ષિણમાં કેસ ઓછા થયા છે. અગાઉ, કેરળ અને આંધ્રપ્રદેશ જેવા દક્ષિણી રાજ્યોમાં જ વધુ કેસ જોવા મળતા હતા.
દિલ્હીમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના ૪૫૯ કેસ મળી આવ્યા છે. અગાઉના ૧૫ દિવસમાં આ આંકડો માત્ર ૧૯૧ હતો. એટલું જ નહીં, આ પહેલા પણ માત્ર ૯૧ કેસ જ મળી આવ્યા હતા. આ રીતે, હવામાનમાં ફેરફાર વચ્ચે, કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. હવે રાજસ્થાનની વાત કરીએ તો છેલ્લા ૧૫ દિવસમાં રાજ્યમાં ૨૨૬ કેસ સામે આવ્યા છે. જ્યારે અગાઉ માત્ર ૯૬ કેસ જ મળી આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ આંકડો બહુ વધારે નથી, પરંતુ આ દરમિયાન ટેસ્ટિંગ પણ ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં જો ટેસ્ટિંગ વધશે તો સંકટ વધુ મોટું થઈ શકે છે.
જણાવી દઈએ કે આ અગાઉ ગયા વર્ષે મે મહિનામાં કોરોના કેસની સંખ્યા ૫૦ થી વધુ હતી. તો આ વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પણ કોરોનાના કેસોમાં થોડો વધારો થયો હતો. આ સમયમાં કોરોના કેસ પહેલા કરતા ઓછા હતા. જો કે ૩૦ ડિસેમ્બરે સમગ્ર દેશમાં સૌથી વધુ ૮૪૧ કોરોના કેસ નોંધાયા હતા. તે દરમિયાન, મોટાભાગના કેસ કેરળ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાંથી આવ્યા હતા. પરંતુ હવે બે મહિના પછી ઉત્તર ભારતમાં કોરોના માથું ઉંચક્તો જણાય છે. હવે યુપીની વાત કરીએ તો છેલ્લા ૧૫ દિવસમાં ૧૬૪ કેસ મળી આવ્યા છે, પરંતુ અગાઉના બે સપ્તાહમાં આ આંકડો માત્ર ૩૬ હતો. એ જ રીતે બિહારમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦૩ હોવાનું જાણવા મળ્યું છે.