- રાજ્યમાં કમિશન આપ્યા વિના કોઈ કામ થતું નથી, યુપીથી આ પ્રથા ઉત્તરાખંડમાં આવી
દહેરાદુન,
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તેઓ કહી રહ્યા છે કે રાજ્યમાં વગર કમિશને કોઈ કામ થઈ શક્તું નથી. અત્યારે જાણ નહિ થઈ શકે કે આ વીડિયો ક્યારનો છે, પરંતુ આમાં ભાજપના નેતાએ રાજ્યમાં કમિશન ચોરી પર દુ:ખ વ્યક્ત કરતા જોવા મળે છે. વીડિયોમાં રાવત કહે છે, ભલે હું મુખ્યમંત્રી રહ્યો હોય અને કદાચ આ ન હોવું જોઈએ, પરંતુ મને સ્વીકારવામાં કોઈ વાંધો નથી કે જ્યારે અમે ઉત્તરપ્રદેશથી અલગ થયા ત્યારે જાહેર કાર્ય કરવા માટે ૨૦% સુધી કમિશન આપવામાં આવ્યું હતું. અલગ થયા પછી એ ઉત્તરાખંડમાં નહિવત્ થઈ જવું જોઈતું હતું, પરંતુ એ ચાલુ રહ્યું અને અમે ૨૦% સાથે શરૂઆત કરી.
પૌડીથી ભાજપ સાંસદે કહ્યું, પહાડી રાજ્ય ઉત્તરાખંડ ૨૦૦૦માં ઉત્તરપ્રદેશથી અલગ થઈ રાજ્ય બન્યું હતું. ત્યારે મને કહેવામાં આવ્યું કે ઉત્તરાખંડમાં કમિશન તરીકે ચોક્કસ રકમ આપ્યા વિના કંઈ કરી શકાતું નથી. કમિશન આપવું એ ઉત્તરપ્રદેશમાં પ્રચલિત પ્રથા હતી અને દુર્ભાગ્યપૂર્ણ એ ઉત્તરાખંડમાં ચાલુ છે.
રાવતે કહ્યું- જોકે કોઈને ખાસ જવાબદાર ઠેરાવી શકાય નહીં. એ એક માનસિક્તા છે. આ ત્યારે જ દૂર થશે, જ્યારે આપણે આપણા રાજ્યને પરિવાર તરીકે જોવાનું શરૂ કરીશું. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડની સાથે ઉત્તરપ્રદેશમાં પણ ભાજપ સત્તામાં છે.
પૂર્વ મુખ્યમંત્રીને વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે માર્ચમાં રાવતે દહેરાદૂનમાં એક વર્કશોપમાં ફાટેલી જીન્સ પહેરેલી મહિલાઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજકાલ મહિલાઓ ફાટેલી જીન્સ પહેરે છે. તેમના ઘૂંટણ દેખાય છે, આ કેવા સંસ્કારો છે? આ સંસ્કારો ક્યાંથી આવે છે? આમાંથી બાળકો શું શીખે છે અને આખરે મહિલાઓ સમાજને શું સંદેશ આપવા માગે છે? ફાટેલા જીન્સ આપણા સમાજના તોડવાનું માર્ગ બનાવે છે. આમાં આપણે બાળકોને ખરાબ ઉદાહરણ આપીએ છીએ, જે તેમને ડ્રગ્સના સેવન તરફ દોરી જાય છે. હવે આપણે બાળકોને ’કાતરથી સંસ્કાર’ આપી રહ્યા છીએ. જોકે, બાદમાં તેમણે આ નિવેદન માટે માફી માગી હતી.
અગાઉ તેમણે ભારતની આઝાદીને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ભારતને ૨૦૦ વર્ષ સુધી ગુલામ બનાવ્યું. તીરથ બ્રિટનને બદલે અમેરિકા બોલી ગયા હતા. બીજી તરફ, હરિદ્વારમાં નેત્ર કુંભનું ઉદઘાટન કરતી વખતે તેમણે નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આવાનારા સમયમાં અમે નરેન્દ્ર મોદી સાથે ભગવાન રામની જેમ વ્યવહાર કરવાનું શરૂ કરીશું. દ્વાપર અને ત્રેતામાં રામ-કૃષ્ણ થયા છે. રામે પણ સમાજ માટે કામ કર્યું હતું, તેથી લોકો તેમને ભગવાન માનવા લાગ્યા. આવું જ કાર્ય દેશના વડાપ્રધાન કરી રહ્યા છે. આવનારા સમયમાં આપણે નરેન્દ્ર મોદીને પણ એ જ રૂપે (ભગવાન રામ) સ્વીકારવા લાગીશું.