- બદ્રીનાથ પ્રવેશદ્વાર પાસેનાં અનેક ઘર, દુકાનો અને હોટલોમાં એકાએક તિરાડો પડી ગઈ.
- વહીવટી તંત્રએ ભૂવૈજ્ઞાનિક, એન્જિનિયર અને અધિકારીઓની ૫ સભ્યની ટીમે તિરાડની તપાસ કરી.
બદ્રીનાથ,
ચારધામના પ્રમુખ ધામ બદ્રીનાથના પ્રવેશદ્વાર કહેવાતા ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ શહેર પર ડૂબવાનું જોખમ છે. અહીં લગભગ એક વર્ષમાં ૫૦૦ ઘર, દુકાન અને હોટલમાં તિરાડો પડી છે. આ કારણે એ રહેવાલાયક રહ્યાં નથી. શહેરના લોકોની આંદોલનની ધમકી પછી વહીવટી તંત્રએ ભૂવૈજ્ઞાનિક, એન્જિનિયર અને અધિકારીઓની ૫ સભ્યની ટીમે તિરાડની તપાસ કરી.
આ પાંચ સભ્યની ટીમમાં જોશીમઠના નગરપાલિકા અધ્યક્ષ શૈલેન્દ્ર પવાર, એસડીએમ કુમકુમ જોશી, ભૂવૈજ્ઞાનિક દીપક હટવાલ, કાર્યપાલક એન્જિનિયર(સિંચાઈ) અનૂપ કુમાર ડિમરી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી એન.કે.જોષી સામેલ હતા. વાસ્તવમાં ૨૪ ડિસેમ્બરના રોજ જોશીમઠના લોકોએ વહીવટી તંત્ર પર શહેરને બચાવવાને લઈને પગલાં ન ભરવાનો આરોપ લગાવી વિરોધ માર્ચ કાઢી હતી. આ પછી વહીવટી તંત્રએ ટીમ બનાવી. પેનલે અવલોકન કર્યું કે જોશીમઠના કેટલાક ભાગો માનવસજત અને કુદરતી કારણોને લીધે ડૂબી રહ્યા છે. વૃક્ષો અને પહાડો કપાવાને કારણે ભૂસ્ખલન પણ થાય છે. જોશીમઠના લગભગ તમામ વોર્ડમાં આયોજન વગર ખોદકામ થઈ રહ્યા છે, જેને કારણે મકાન અને દુકાનમાં તિરાડ જોવા મળી રહી છે.
ચમોલીના જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ ટીમને જોશીમઠ મોકલી. તેમણે કહ્યું હતું કે અધિકારીઓને એક સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સલાહ લઈ તાત્કાલિક સુરક્ષાનાં પગલાં લેવા આદેશ આપ્યો છે. જિલ્લા સૂચના અધિકારી રવીન્દ્ર નેગીએ કહ્યું હતું કે જિલ્લાધિકારીએ ટીમને જોશીમઠ માટે ડ્રેનેજ સિસ્ટમ સ્કીમ બનાવવા કહ્યું છે. આ ઉપરાંત અલકનંદા નદીમાંથી થતા ધોવાણને રોકવા માટે જોશીમઠની તળેટીમાં મારવાડી પુલ અને વિષ્ણુપ્રયાગ વચ્ચે સુરક્ષા દીવાલ બનાવવાની દરખાસ્ત તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે. ટીમે હજુ એનો અહેવાલ રજૂ કરવાનો બાકી છે, પરંતુ સૂત્રોનું માનીએ તો તિરાડોનું મુખ્ય કારણ ગેરકાયદે કટિંગ અને ખોદકામ છે.
ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન વિભાગના સચિવ ડો. રણજિત સિંહાએ કહ્યું કે શહેરમાં ગટર વ્યવસ્થાને લગતાં કામો પૂરાં કર્યા પછી આ વિસ્તારનાં તમામ ઘરને ગટરલાઈન સાથે જોડવામાં આવશે.. તેના વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ માટે ૨૦ જાન્યુઆરીએ ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ રિપોર્ટ બનાવતી વખતે જિયોટેક્નિકલ અભ્યાસ પણ કરવામાં આવશે.