દહેરાદુન, મહાનિર્વાણ અખાડાએ આજથી ઉત્તરાખંડમાં તેના ત્રણ મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરી દીધો છે. આ ડ્રેસ કોડ મહિલાઓ માટે છે. આ ડ્રેસ કોડ મુજબ મહાનિર્વાણ અખાડા સંબધિત ત્રણ મંદિરોમાં ચડ્ડી પહેરેલી મહિલાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મહાનિર્વાણ અખાડાના સેક્રેટરી મહંત રવિન્દ્ર પુરીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં આ ડ્રેસ કોડ દક્ષ પ્રજાપતિ મંદિર કનખલ હરિદ્વાર, નીલકંઠ મહાદેવ મંદિર, પૌઢી અને તપકેશ્ર્વર મહાદેવ મંદિર, દેહરાદૂનમાં લાગુ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે આ ત્રણેય મંદિરોમાં કોઈ પણ મહિલા કે છોકરીને ટૂંકા કપડામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશતા પહેલા તેઓએ સંપૂર્ણપણે શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા પડશે. અન્યથા મહિલા ભક્તોને મંદિરના ગેટ પર જ રોકી દેવામાં આવશે. આ સાથે મહાનિર્વાણ અખાડાએ આ મંદિરોમાં આવનારી મહિલા શ્રદ્ધાળુઓને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ અનુસારના વો પહેરીને મંદિરમાં પ્રવેશવાની અપીલ કરી છે. મહાનિર્વાણ અખાડાના સેક્રેટરી રવિન્દ્ર પુરીના જણાવ્યા અનુસાર, આ મંદિર છે. તેને મનોરંજનનું સ્થળ બનવાની મંજૂરી આપી શકાય નહીં.
તેથી જ સનાતન ધર્મમાં માનનારા લોકોને નવી વ્યવસ્થા સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. હાલ ચાલી રહેલી સિસ્ટમ મુજબ હવે મહિલાઓએ ઓછામાં ઓછા ૮૦ ટકા શરીરને ઢાંક્તા કપડાં પહેરવા પડશે. આ પછી જ તમને મંદિરમાં પ્રવેશ મળશે. અખાડા વતી કહેવામાં આવ્યું છે કે, દક્ષિણ ભારતના ઘણા મંદિરોમાં આ પ્રકારની વ્યવસ્થા પહેલાથી જ લાગુ છે. પરંતુ ઉત્તર ભારતમાં પહેલીવાર આવી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે.