દેહરાદૂન, ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકશે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી ઘટનાઓ પર રોક લગાવવા માટે ધામી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેન્ડ લો ડ્રાટિંગ કમિટીના અહેવાલ અથવા આગળનો આદેશો ન આવે ત્યાં સુધી બહારના લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી મળતી કૃષિ અને બાગાયતની જમીન ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ પર રોક લગાવી દીધી છે.
રાજ્ય બહારના લોકો ઉત્તરાખંડમાં ડીએમ સ્તરે મંજૂરી લઈને ખેતી અને બાગાયતના નામે અંધાધૂંધ જમીન ખરીદી રહ્યા હતા. હવે સરકારે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. રવિવારે મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉત્તરાખંડ માટે નવો જમીન કાયદો તૈયાર કરવા માટે સરકારે ડ્રાટિંગ કમિટીનું ગઠન કર્યું છે.
બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, જ્યાં સુધી જમીન કાયદા સમિતિનો રિપોર્ટ મળે ત્યાં સુધી અથવા આગળના આદેશો સુધી ડીએમ ઉત્તરાખંડની બહારના લોકોને ખેતી અને બાગાયતી હેતુઓ માટે જમીન ખરીદવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય નહીં લેશે. ઉત્તરાખંડમાં રાજ્ય બહારના લોકોને ખેતી અને બાગાયત માટે જમીન ખરીદવાની મંજૂરી ૨૦૦૪માં કોંગ્રેસ સરકારમાં મળી હતી.
ઉત્તરાખંડમાં માત્ર એ જ લોકો ખેતી અને બાગાયતની જમીન ખરીદી શકશે જેમના નામ પર ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૩ પહેલા ઉત્તરાખંડમાં અચલ સંપત્તિ છે. ઉત્તર પ્રદેશ જમીનદારી અને જમીન વ્યવસ્થા અધિનિયમ ૧૯૫૦ની કલમ ૧૫૪માં વર્ષ ૨૦૦૪માં સુધારો કરવામાં આવ્યો હતો. આ પ્રમાણે એવા વ્યક્તિઓ જે રાજ્યમાં ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૩ પહેલા રાજ્યમાં અચલ સંપત્તિના ધારક નથી તેઓ ખેતી અને બાગાયતના હેતુ માટે જમીન ખરીદવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી લઈ શકે છે. હવે આના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. હવે ઉત્તરાખંડમાં ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૩ પહેલા જે લોકોના નામે જમીન હશે તેઓ જ ખેતી માટે જમીન ખરીદી શકશે.