ઉત્તરાખંડમાં અતીક અહેમદની હત્યાનો મુદ્દો ગરમાયો : પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભાજપ પર પ્રહાર કર્યા

દહેરાદુન,માફિયા અતીક અહેમદની હત્યાના મુદ્દાએ હવે ચૂંટણી રૂપ લઈ લીધુ છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, આ વખતે લોક્સભા ચૂંટણીમાં ભાજપનું ચૂંટણી ચિન્હ અતીક અહેમદ હશે. કારણ કે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી. વિકાસનો કોઈ એજન્ડા નથી અને ભાજપ જાતિવાદની રાજનીતિ કરીને લોક્સભા ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરી રહ્યુ છે.

ઉત્તરાખંડમાં લોક્સભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણીની તૈયારીઓની સાથે સાથે શાબ્દિક પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે જેથી ચૂંટણી પહેલા માહોલ તૈયાર કરી લેવામાં આવે. આવી સ્થિતિમાં અનેક મુદ્દાઓ પણ શોધવામાં આવી રહ્યા છે, જ્યાં ભાજપ વિકાસના નામે ૨૦૨૪ની લોક્સભાની ચૂંટણી લડવાનો દાવો કરી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપને જવાબ આપવા માટે ઘણા મુદ્દાઓની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પાસે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી સહિત અન્ય ઘણા મુદ્દા છે જે આ વખતે ચૂંટણીમાં મહત્વના રહેશે, પરંતુ હવે અહીં અતીક અહેમદની પણ એન્ટ્રી થઈ ગઈ છે.

પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે આરોપ લગાવ્યો કે ભાજપ આ ચૂંટણીમાં અતીક અહેમદના નામ પર વોટ મેળવવાનો પ્રયાસ કરશે અને આ વખતે ભાજપનું ચૂંટણી ચિન્હ અતીક અહેમદ હશે. હરીશ રાવતના અતીક અહેમદ વાળા નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટનું પણ નિવેદન આવ્યુ છે. તેમનું કહેવુ છે કે,હરીશ રાવત સીનિયર નેતા છે પરંતુ તેમને એ નથી ખબર કે, ભાજપનું ચૂંટણી ચિન્હ માતા સરસ્વતીનું આસન કમળનું ફૂલ છે પરંતુ કોંગ્રેસના નેતા પાસે કોઈ મુદ્દા નથી એટલા માટે આ પ્રકારની વાત કરી રહ્યા છે.