ઉત્તરાખંડ ચારધામ યાત્રા ૨૦૨૩:૨૭ એપ્રિલે બદરીનાથ ધામના કપાટ ખુલશે, શિવરાત્રિના દિવસે કેદારનાથ ધામ કપાટ ખુલવાની તારીખ નક્કી થશે

દહેરાદુુન,

ઉત્તરાખંડ અને દેશના ચાર ધામમાંથી એક બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ ૨૬ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી છે. બદરીધામના કપાટ ૨૭ એપ્રિલના રોજ સવારે ૭.૧૦ વાગ્યે દર્શન માટે ખોલી દેવામાં આવશે. શિવરાત્રિ (૧૮ ફેબ્રુઆરી)ના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી થશે. ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ દર વર્ષે અખાત્રીજના દિવસે ખુલે છે. આ વર્ષે અખાત્રીજ ૨૨ એપ્રિલના રોજ છે.

શ્રી બદરી-કેદાર મંદિર સમિતિના મીડિયા અધિકારી ડો. હરીશ ગોડ઼ના જણાવ્યા પ્રમાણે, ૨૬ જાન્યુઆરી (વસંત પંચમી)ના દિવસે રાજદરબાર નરેન્દ્ર નગરમાં ધામક સમારોહમાં રાજપુરોહિત આચાર્ય કૃષ્ણ પ્રસાદ ઉનિયાલે પંચાંગની મદદથી બદરીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરી અને મહારાજા મનુજયેન્દ્ર શાહે કપાટ ખોલવાની તારીખની ઘોષણા કરી.

આવતા મહિને મહાશિવરાત્રિ (૧૮ ફેબ્રુઆરી)ના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવશે. દર વર્ષે અખાત્રીજે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજ ૨૨ એપ્રિલના રોજ છે.

બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર ઠંડીના દિવસોમાં ભક્તો માટે બંધ રહે છે, કેમ કે અહીં ઠંડક ખૂબ જ વધી જાય છે, બરફવર્ષા પણ થાય છે. વાતાવરણ સામાન્ય લોકો માટે પ્રતિકૂળ બની જાય છે. દર વર્ષે ગરમીના દિવસોમાં આ ચાર મંદિરોના કપાટ ભક્તો માટે ખોલવામાં આવે છે અને ઠંડીની શરૂઆતના સમય સુધી ખુલ્લા રહે છે.

બદરીનાથ ધામના પૂર્વ ધર્માધિકારી ભૂવનચંદ્ર ઉનિયાલના જણાવ્યા પ્રમાણે બદરીનાથ ધામના કપાટ બંધ થયા પછી અહીં નારદ મુનિ બદરીનાથની પૂજા કરે છે. કપાટ ખુલ્યા પછી અહીં નર એટલે રાવલ(પૂજારી) પૂજા કરે છે અને બંધ થાય પછી નારદજી પૂજા કરે છે. અહીં લીલાઢુંગી નામની એક જગ્યા છે. અહીં નારદજીનું મંદિર છે. કપાટ બંધ થયા પછી બદરીનાથમાં પૂજાનો ભાર નારદમુનિનો રહે છે. ગયા વર્ષે અહીં ૧૭ લાખથી વધારે ભક્તો પહોંચ્યાં હતાં.