
ભાવનગર : ઉત્તરાખંડમાં ગંગોત્રી નજીક બસ દુર્ઘટનામાં ભાવનગરના 7 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 6 મૃતકો ના અંતિમ સંસ્કાર માટે પોતાના વતન લાવવામાં આવ્યા હતા. એક મૃતક મહિલાના અગ્નિ સંસ્કાર ઉત્તરાખંડમાં જ કરવામાં આવ્યા હતા. ત્યારે ઉત્તરાખંડથી તમામ મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. આજે સવારે મૃતકોની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચડ્યું હતું. હૈયું હચમચાવી દેતું પરિવારજનોનું આક્રંદ જોવા મળ્યુ હતું.

ઉત્તરાખંડમાં ગુજરાતી શ્રધ્ધાળુઓના અકસ્માત નડતાં 7 ગુજરાતીઓના મોત નિપજ્યા હતા. જેમાં તમામ ભાવનગરના રહેવાસી હતી. ગત રાતે મૃતકોને ફ્લાઇટથી અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. જેના બાદ મૃતદેહોને ભાવનગર તેમના વતન ખાતે લઈ જવાયા હતા.
તરસરા ગામ ખાતે રહેતા યુવાન અનિરુદ્ધ જોશીના અંતિમસંસ્કાર તળાજા ખાતે કરવામાં આવ્યા હતા. 35 વર્ષીય અનિરુદ્ધ જોશી તરસરા ગામે રાશન શોપના સંચાલક હતા. અનિરુદ્ધ જોશીને સંતાનમાં માત્ર બે પુત્રીઓ છે. ત્યારે તળાજા ખાતે યુવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
તો પાલિતાણાના કરણજી ભાટીના મૃતદેહને ગામમાં લાવતા જ આખુ ગામ હીબકે ચઢ્યું હતું. 29 વર્ષીય કરણજી ભાટીના ઘરે શોકનો માહોલ જોવા મળ્યો. કરણજી ભાટી ત્રણ સંતાન ના પિતા હતા બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજી ભાટીની અંતિમ યાત્રાવિધિમાં સમસ્ત ગામલોકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખાતે પ્રથમ ફ્લાઈટ મોડી રાત્રે આવી પહોંચી હતી. જેમાં કરણ ભાટી તથા અનિરુદ્ધ જોષીના મૃતદેહ સ્વજનોને રાત્રે 9:45 આસપાસ સોંપવામાં આવ્યા હતા. જ્યારે બીજી ફ્લાઈટ અમદાવાદ મોડી રાત્રે 11:45 એ આવી પહોંચી હતી, જેમાં મહુવા તાલુકાનાં દક્ષાબેન મહેતા તથા ગણપતભાઇ મહેતાના મૃતદેહને સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તો ત્રીજી ફ્લાઈટ અમદાવાદ ખાતે મોડી રાત્રે 1:45 આવી હતી, જેમાં તળાજા તાલુકાના રાજેશભાઇ મેર તથા ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. તમામ મૃતકોનાં સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યાં હતાં અને વહેલી સવારે તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી.