- કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ તાજેતરમાં મધ્ય-ચૂંટણીમાં સંસાધનોની પુન:વિતરણ અને વારસાગત કરની વાત કરીને નવો મુદ્દો ઉઠાવ્યો હતો.
નવીદિલ્હી, કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ તાજેતરમાં મધ્ય-ચૂંટણીમાં સંસાધનોની પુન:વિતરણ અને વારસાગત કરની વાત કરીને નવો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના નિવેદનને આડે હાથ લેતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. હવે તેમણે ફરી એક એવી વાત કહી છે, જેના પર તે ઘેરાઈ શકે છે. સામ પિત્રોડાએ એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન ભારતીયોના દેખાવ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વ ભારતના લોકો ચીની જેવા દેખાય છે. દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા છે અને ઉત્તર ભારતીયો કંઈક અંશે ગોરા છે. ભારતની વિવિધતાની વાત કરીએ તો સામ પિત્રોડાની આવી ટિપ્પણીઓ નવો વિવાદ સર્જી શકે છે.
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું, ‘અમે અત્યાર સુધીની જેમ વિવિધતામાં એક્તા જાળવી શકીએ છીએ. છેલ્લા ૭૫ વર્ષોમાં, અમે એક સારું વાતાવરણ બનાવ્યું છે જ્યાં દરેક વ્યક્તિ રહી શકે. તેમણે કહ્યું, ‘ભારત જેવા વૈવિયસભર દેશને આપણે સાથે રાખી શકીએ છીએ. પૂર્વ ભારતના લોકો ચીન જેવા દેખાય છે. પશ્ચિમના લોકો અરબ જેવા દેખાય છે, ઉત્તરના લોકો ગોરા જેવા અને દક્ષિણ ભારતીયો આફ્રિકન જેવા દેખાય છે. આ આટલું મહત્વ નથી રાખતું. આપણે બધા એક છીએ અને ભાઈ-બહેન છીએ. સામ પિત્રોડાએ ધ સ્ટેટ્સમેનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે, જે હવે વાયરલ થઈ રહી છે.
તેમણે કહ્યું કે ભારતના લોકો ભાષાકીય, ધાર્મિક અને ખાદ્ય વિવિધતાનું સન્માન કરે છે, જે દરેક પ્રદેશમાં બદલાય છે. હું ફક્ત આ ભારતમાં જ માનું છું. જ્યાં દરેક માટે જગ્યા હોય અને તેમને પોતાની રીતે જીવન જીવવાનો મોકો મળે. તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર દ્વારા આજે ભારતના લોકશાહી, સ્વતંત્રતા અને ઉદારતાના વિચારને પડકારવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમ ઘણીવાર માત્ર મંદિરોમાં જ જાય છે. તેઓ માત્ર રાષ્ટ્રીય નેતાની જેમ વાત કરતા નથી પરંતુ ભાજપના નેતાની જેમ ચર્ચા પણ કરે છે.
હવે સામ પિત્રોડાના ઈન્ટરવ્યુની આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના નિવેદન પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, ‘સેમ ભાઈ, હું નોર્થ-ઈસ્ટનો છું અને ભારતીય દેખાઉં છું. અમે વિવિધતામાં માનીએ છીએ. આપણે ભલે જુદા દેખાઈએ, પણ આપણે બધા એક છીએ. આપણા દેશ વિશે થોડું સમજો. તમને જણાવી દઈએ કે, વારસાગત વેરાના મામલામાં સામ પિત્રોડા એટલા ઘેરાયા હતા કે કોંગ્રેસે તેમના નિવેદનથી દૂરી લીધી હતી.