- રાહુલ ગાંધી અને અખિલેશની જોડી કામ કરી ગઇ, બન્નેએ બંધારણ અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો
લોક્સભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશમાં પડયો છે. પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશથી લઇને પૂર્વાંચલ સુધી ભાજપે નુક્સાન વેઠવુ પડયું છે, અગાઉ ઉ. પ્રદેશમાં ૬૨ બેઠકો મેળવનારા ભાજપે આ ચૂંટણીમાં માત્ર ૩૩ બેઠકથી સંતોષ માનવો પડયો છે. રામ મંદિર બનાવ્યું તે અયોધ્યાની ફૈઝાબાદ બેઠક પર પણ ભાજપ હાર્યું હતું. ઉત્તર પ્રદેશ છ પ્રાંતમાં વહેચાયેલુ છે. તમામ પ્રાંતમાં ભાજપે નુક્સાનનો સામનો કરવો પડયો છે.
ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી પશ્ચિમમાં ૧૦, બ્રજમાં આઠ, અવધમાં ૨૦, રોહિલખંડમાં ૧૧, બુંદેલખંડમાં ૫ અને સૌથી વધુ પૂર્વાંચલમાં ૨૬ બેઠક આવેલી છે. પશ્ચિમમાં ભાજપને ચાર બેઠક મળી, બે બેઠકનો ઘટાડો થયો, અહીંયા આરજેડીને બે બેઠક મળી, સપાને બે જ્યારે કોંગ્રેસ તેમજ આઝાદ સમાજ પાર્ટીને એક એક બેઠક મળી. અવધમાં ૨૦માંથી માત્ર નવ બેઠક ભાજપને મળી, આ પ્રાંતમાં સૌથી મોટો ફટકો અયોયામાં પડયો જ્યાં રામ મંદિર બનાવ્યું છતા હારનો સામનો કરવો પડયો. મેનકા ગાંધી અને સ્મૃતિ ઇરાની જેવા દિગ્ગજ નેતા હાર્યા.
રોહિલખંડ પ્રાંતમાં માત્ર ચાર બેઠક મળી, આ પ્રાંતમાં સમાજવાદી પાર્ટીનો દબદબો રહ્યો અને સાત બેઠક જીતી લીધી. બુંદેરલખંડ પ્રાંત સૌથી દુષ્કાળગ્રસ્ત અને આથક રીતે ઓછો વિકસિત પ્રાંત માનવામાં આવે છે. આ પ્રાંતમાં અગાઉ તમામ પાંચ બેઠકો જીતનારા ભાજપે એક બેઠક ઝાંસીથી સંતોષ માનવો પડયો હતો. પૂર્વાંચલ વિસ્તારમાં સૌથી વધુ ૨૬ બેઠક આવેલી છે. જ્યાં અગાઉ ૧૮ બેઠક જીતનારા ભાજપે ૧૦થી સંતોષ માન્યો હતો. સમાજવાદી પાર્ટીને અહીંયા સૌથી વધુ ૧૪ બેઠક મળી હતી, જ્યારે અપના દલ અને કોંગ્રેસે એક-એક બેઠક મેળવી હતી. બ્રજમાં સાત બેઠક મેળવનારા ભાજપે પાંચથી સંતોષ માન્યો, ઉત્તર પ્રદેશના છ પ્રાંતમાંથી એક પણમાં ભાજપ ક્લીન સ્વીપ નથી કરી શકી.
ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી અને અખિલેશની જોડી કામ કરી ગઇ, બન્નેએ બંધારણ અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો જેને કાઉન્ટર કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું, બસપા વડા માયાવતીએ ગઠબંધન વગર ચૂંટણી લડી અને મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ નેતાને ઉમેદવાર બનાવ્યા, જોકે મુસ્લિમોએ મતોનું ધૂ્રવિકરણ ના થવા દીધું અને સપા-કોંગ્રેસ તરફ વળ્યા. જ્યારે એસસી અનામત બેઠક નગીના પર બસપાને છોડીને ચંદ્રશેખર આઝાદને દલિતોએ પસંદ કર્યા, આ ઉપરાંત ભાજપને સ્થાનિક પ્રશ્ર્નો નડયા, જ્યારે રામ મંદિરનો પ્રચાર પણ કામ ના આવ્યો.
વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીને ગત લોક્સભાની ચૂંટણી ૪.૭૯ લાખ મતોથી જીત્યા હતા, આ વખતે આંખડો ઘટીને ૧.૫૨ લાખ પર આવ્યો હતો. જ્યારે લખઉન બેઠક પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના પૂર્વ અયક્ષ રાજનાથસિંહને ગત ચૂંટણીમાં ૩.૪૭ લાખ મતોથી જીત મળી હતી, જે આંકડો ઘટીને આ ચૂંટણીમાં ૧.૫ લાખ પર આવી ગયો હતો. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીએ ખેરી બેઠક ગુમાવવી પડી છે. તેમના પુત્ર આશિશ મિશ્રા પર ખેડૂતો પર કાર ચડાવી દેવાનો આરોપ છે. આ ઉપરાંત અમેઠીથી સ્મૃતિ ઇરાની જ્યારે સુલ્તાનપુરથી મેનકા ગાંધી પણ હાર્યા.
સમાજવાદી પાર્ટીને સૌથી વધુ ૩૭ બેઠકો મળી અને રાજ્યમાં સૌથી મોટો પક્ષ બન્યો, જ્યારે ભાજપને ૩૩ બેઠકો મળી અને બીજા ક્રમે રહ્યો, કોંગ્રેસ છ બેઠકો લઇ ગઇ, રાષ્ટ્રીય લોક દળ – આરએલડીને ૨, ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદના પક્ષ આઝાદ સમાજપાર્ટીને ૧, અપનાદલને ૧ બેઠક મળી હતી. ઉત્તર પ્રદેશમાં મતોની ટકાવારી પર નજર કરીએ તો ભાજપને ૪૧.૩૭ ટકા મત મળ્યા, જ્યારે સમાજવાદી પાર્ટીને ૩૩.૫ ટકા મત મળ્યા, કોંગ્રેસને નવ ટકા મત મળ્યા.