ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાની કંગાળ સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરી

ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાની કંગાળ સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જો લેખક ધરમવીર ભારતીજી આજે હયાત હોત તો “હાથગાડી પર હિમાલય” લખવાને બદલે “યુપીની આરોગ્ય સેવા હાથગાડી પર” લખત. આ રચનામાં હિમાલયની સુંદરતાનું વર્ણન ન થયું હોત, પરંતુ લોકોની અપાર વેદના અને રાજ્યની અરાજક્તાનું વ્યંગાત્મક વર્ણન હોત. સારવાર માટે હોસ્પિટલ નથી, હોસ્પિટલ છે તો એમ્બ્યુલન્સ નથી, તૂટેલા હાડકાના અસહ્ય દર્દ સાથે હાથગાડીમાં હોસ્પિટલ પહોંચો છો તો ડોક્ટર નથી.

પ્રિયંકા ગાંધીએ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેના પર એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે મેડમ કર્ણાટકમાં જતા હોવ તો ત્યાં ૧૨૦૦થી વધુ ખેડૂતો ૬ મહિનામાં આત્મહત્યા કરી ચૂકયા છે. પ્રિયંકાગાંધીની આ પોસ્ટ માં એક વીડિયો એટેચ કરેલો છે જેમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિને લારીમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જયાં ડોક્ટર તેમને કહે છે કે હાડકાંના ડોક્ટર હાલમાં ઉપલબ્ધ ના હોવાથી તમે બે દિવસ પછી હોસ્પિટલ આવો. આ વીડિયોમાં દેખાય છે તે મુજબ લારી પર સૂતેલા વ્યક્તિનો એક પગ ઇજાગ્રસ્ત છે અને તેની આસપાસના લોકો તેમની સારવાર માટે બીજી હોસ્પિટલની તપાસ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વીડિયો જોઈ કેટલાક લોકો ઉત્તરપ્રદેશમાં બગડેલ આરોગ્ય સેવાને લઈને યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ વીડિયોને ખોટો ગણાવી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે વિપક્ષ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા આ પ્રકારના ભ્રામક પ્રચાર કરી રહ્યો છે. નાગરિકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. એક યુઝર્સ લખે છે કે યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં વ્યવસ્થા સુધારવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન આ પ્રકારનો ભ્રામક પ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ પોસ્ટની ચકાસણી થવી જોઈએ. કેમકે આ વીડિયો ઉત્તરપ્રદેશનો લાગતો નથી.