- ઉત્તર પ્રદેશમાં માત્ર બે દિવસ પહેલા જ પ્રયાગરાજ જિલ્લો દેશનો સૌથી ગરમ હતો
ઉત્તર પ્રદેશ હાલમાં ભારે ગરમી અને હીટવેવની ઝપેટમાં છે. આ તરફ ચોંકાવનારા સમાચાર તો એ છે કે, અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪ લોકોના મોત થયા છે. ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ થઈને તેમની સારવાર કરાવી રહ્યા છે. હીટવેવના પ્રકોપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દિવસ દરમિયાન લોકો ઘરની બહાર નીકળતા નથી. યુપીના ઘણા જિલ્લાઓમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે દિવસ દરમિયાન બજારોમાં શાંતિ છે. રસ્તાઓ પર કોઈ દેખીતી ગતિવિધિ જોવા મળતી નથી. આ બધાની વચ્ચે હવે બાગપત જિલ્લામાં વેપારીઓએ સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધી લોકડાઉનની માંગ પણ કરી છે.
યુપીના બાગપત જિલ્લામાં અખિલ ભારતીય ઉદ્યોગ વેપાર બોર્ડના અધિકારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ બાગપતને પત્ર લખ્યો છે. પત્રમાં કાળઝાળ ગરમીને ટાંકીને સવારે ૧૧ થી સાંજના ૫ વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. વેપારી સંગઠનના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, અમારા તમામ ધંધા પહેલાથી જ ઠપ્પ થઈ ગયા છે. વધતી જતી મોંઘવારી અને ઓનલાઈન શોપિંગ તો હતું જ પરંતુ હવે કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી.
વેપારીઓના મત મુજબ લોકો સવારે ૧૦-૧૧ વાગ્યા સુધીમાં જ બજારોમાંથી સામાન ખરીદે છે. આ પછી વેપારીઓને દિવસ અને સાંજ તેમની દુકાનો પર બેસી રહેવાની ફરજ પડી છે. દરમિયાન તેમની દુકાને કોઈ ગ્રાહક સામાન ખરીદવા આવતો નથી. તેમજ આ વધતી ગરમીના કારણે રોજેરોજ નવી બીમારીઓ વધી રહી છે અને લોકો હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. તેથી જ તેઓએ નિર્ણય લીધો છે કે, સરકાર અથવા જિલ્લા વહીવટીતંત્ર વેપારીઓના હિતમાં તેમની સુરક્ષા માટે આ પગલાં લે અને લોકડાઉન અથવા દિવસનો કરફ્યુ લાદે તે વધુ સારું છે. આ સાથે વેપારીઓ પણ વધતી ગરમીથી બચી શકશે.
ઉત્તર પ્રદેશમાં માત્ર બે દિવસ પહેલા જ પ્રયાગરાજ જિલ્લો દેશનો સૌથી ગરમ હતો. અહીં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. છેલ્લા ૨૪ કલાકમાં ગરમીના કારણે ૪૪ લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત કાનપુર જિલ્લામાં થયા છે. અહીં હીટવેવને કારણે ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. કાનપુરને અડીને આવેલો ફતેહપુર જિલ્લો બીજા ક્રમે હતો. અહીં ગરમીના કારણે ૧૨ લોકોના મોત થયા છે.
ચોમાસાની વાત કરીએ તો લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ ચોમાસાએ જાણે ગુસ્સો કર્યો હોય તેમ લાગી રહ્યું છે. આ વખતે લોકોને પ્રિ-મોન્સુનનો છાંટો પણ જોવા મળ્યો ન હતો. જૂન મહિનામાં દિલ્હી, યુપી અને બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી પહેલા પ્રિ-મોન્સુન વરસાદ પડતો હતો જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. પરંતુ આ વખતે પ્રિ-મોન્સુન તેના બદલે આકાશમાંથી આગ વરસી રહી છે જેના કારણે લોકો ખૂબ જ ચિંતિત છે.
આ તરફ હવે જો આપણે હોસ્પિટલની વાત કરીએ તો દરેક હોસ્પિટલમાં તાવ, ચક્કર અને માથાનો દુખાવોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ઘણા દર્દીઓ એટલી ગંભીર સ્થિતિમાં પહોંચી જતા હોય છે કે તેમને તાત્કાલિક દાખલ કરવા પડે છે. જે દર્દીઓની સ્થિતિ થોડી સ્થિર છે તેમને માત્ર દવાઓ આપીને ઘરે મોકલવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે, લોકોએ તડકામાં વધુ બહાર ન જવું જોઈએ. હવામાન ઠંડુ થાય પછી જ ઘરની બહાર નીકળો. તમારા સ્વાસ્થ્યનું પણ યાન રાખો. આ સાથે ડિહાઇડ્રેશન ટાળવા માટે પુષ્કળ પ્રવાહી પીવાની અપીલ કરવામાં આવી છે.